હવે ડાયાબિટીસના દર્દીઓને ઈંજેક્શનથી છૂટકારો અપાવશે આ કેપ્સ્યુલ

નવી દિલ્હી: દેશમાં 50 વર્ષથી વધુ ઉંમરના 11.8 ટકા લોકો ડાયાબિટીસના રોગથી પીડિત છે. આમાં મહિલાઓ અને પુરૂષોની સંખ્યા લગભગ સરખી જ છે.  છેલ્લા કેટલાંક વર્ષોથી ડાયાબિટીસના દર્દીઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ડાયાબિટીસથી પીડિત વ્યક્તિએ પોતાના બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા માટે દિવસભર ઓછામાં ઓછાં ઈન્સ્યુલિનના 2 ઈંજેક્શન તો લેવા જ પડે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ હવે ઈન્સ્યુલિન ઈંજેક્શનનો વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ડાયાબિટીસ સામે ઝઝૂમી રહેતા વ્યક્તિઓએ ઈન્સ્યુલિનના ઈંજેક્શન લગાવવાની જરૂર નહીં પડશે, કારણ કે હવે માત્ર એક ગોળી ખાઈને જ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકાશે.

સ્ટડી રિપોર્ટ પ્રમાણે કેપ્સૂલમાં એક નાનકડી સોંય હોય છે, જેને ફ્રીઝ કરવામાં આવેલા ઈન્સ્યુલિનમાંથી બનાવવામાં આવી છે અને એક સ્પ્રિંગ પણ છે, જેને સુગરની એક ડિસ્ક દ્વારા બનાવવામાં આવી છે. કેપ્સુલ ખાધા બાદ જેવી એ પેટમાં પહોંચે છે, તો પેટમાં રહેલ પાણી ડિસ્કને ડિઝોલ્વ કરી દે છે, જેને કારણે સ્પ્રિંગ નીકળી જાય છે, ત્યારબાદ ઈન્સ્યુલિન ડાઈજેસ્ટિવ સિસ્ટમાં બ્રેક થઈ જાય છે.

ડેનમાર્કની દવા કંપની નોવો નોરડિસ્કના વૈજ્ઞાનિકોએ મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યુ ઓફ ટેકનોલોજીની ટીમ સાથે મળી આ કેપ્સ્યુલ વિકસાવી છે. સંશોધકની ટીમે જણાવ્યું હતું કે કેપ્સુલ લેવી ઈન્સ્યુલિનના ઈંજેક્શનની સરખામણીમાં વધુ સરળ છે. તેની ખાસ વાત એ છે કે, તે બીજા ઈંજેક્શનની સરખામણીમાં સસ્તી છે અને સાથે જ તેને પોતાની સાથે ક્યાંય પણ લઈ જઈ શકાય છે. સંશોધકોએ જણાવ્યુ હતુ કે કેપ્સૂલ બાયોડિગ્રેડેબલ પોલીમર અને કેટલાક સ્ટેનલેસ સ્ટીલની મદદથી બનાવવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે જ્યારે ડાયાબિટીસના કોઈ દર્દી આ કેપ્સૂલ લેશે તો સુગર ડિસ્ક પેટમાં પીગળી જશે અને સ્પ્રિંગ છોડશે. સ્પ્રિંગ નીકળ્યા બાદ તેમાંથી એક પ્રકારની કાઈનેટિક એનર્જી નીકળશે.

સંશોધકોએ સૌથી પહેલો ટેસ્ટ ડુક્કર પર કર્યો હતો અને તે સફળ રહ્યો હતો. આ કેપ્સૂલ પેટમાં પીગળ્યા બાદ તે કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ વિના ડાઈજેસ્ટિવ સિસ્ટમ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. આ કેપ્સૂલ પર સંશોધકો હજુ વધુ સંશોધનો કરી રહ્યા છે.

એમઆઈટીના પ્રોફેસર રોબર્ટ લૈંગરે કહ્યું હતું કે આ પ્રયોગ સફળ રહેતા ભવિષ્યમાં ડાયાબિટીસના દર્દીઓને ઘણો ફાયદો થશે. ઈન્સ્યુલિન કેપ્સ્યુલની સાઈઝ 30 મિલીમીટર છે, જેમાં દર્દી માટે જરૂરી ઈન્સ્યુલિન સમાવી લેવામાં આવ્યું છે. આ કેપ્સ્યુલમાંનું ઈન્સ્યુલિન ખૂબ ઝડપથી લોહીમાં ભળી જતી હોવાથી દર્દીને તાત્કાલિક રાહત મળી જશે.