ઈન્ડિયન આર્મીએ LoC પાર કરી 4 પાકિસ્તાની સૈનિક ઠાર કર્યા

શ્રીનગર- આતંકવાદને આશ્રય આપનારા પાકિસ્તાનને ફરી એકવાર ભારતે તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતીય જવાનોએ પોતાના સૈનિકોની શહીદીનો બદલો લેવા લાઈન ઓફ કંટ્રોલ (LoC) પાર કરીને પાકિસ્તાની સેના ઉપર એટેક કર્યો હતો. અને પાકિસ્તાન સેનાના 4 સૈનિકોને ઠાર માર્યા હતા.

શનિવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં ભારતીય સેનાના ચાર જવાનો શહીદ થયાં હતાં. જેના જવાબમાં ભારતીય સેના દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય જવાનોએ કશ્મીરમાં રાવલકોટ સેક્ટરમાંથી LoC પાર કરી હતી. જ્યાં ક્રોસ ફાયરિંગમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનના ચાર સૈનિકોને ઠાર માર્યા હતા.

500 મીટર સુધી પાક. સરહદમાં ઘુસ્યા ભારતીય જવાનો

પાકિસ્તાન તરફથી યુદ્ધ વિરામનો ભંગ કરાયા બાદ અને ભારતના ચાર સૈનિકો શહીદ થયા બાદ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં સૈનિકો LoC ક્રોસ કરીને પુરી તૈયારી સાથે 500 મીટર સુધી પાકિસ્તાનની સરહદમાં ઘુસી ગયા હતા. ભારતીય જવાનો પાસે હથિયારમાં IED, અસોલ્ટ રાઈફલ અને લાઈટ મશીનગન હતાં.

45 મિનિટ ચાલ્યું ઓપરેશન

ભારતીય જવાનોએ પાકિસ્તાનની સરહદમાં ઘુસીને તેને તેની જ ભાષામાં જવાબ આપ્યો, ઉપરાંત આશરે 45 મિનિટ ચાલેલા આ ઓપરેશનમાં ભારતીય જવાનોએ તેમના પરાક્રમનો પરિટય પણ આપ્યો હતો.