20 વર્ષ બાદ ભારતીય PM જશે દાવોસ, WEFમાં ભાગ લેશે પીએમ મોદી

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2018ની શરુઆતમાં સ્વિત્ઝરલેન્ડના શહેર દાવોસની મુલાકાતે જઈ શકે છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી અહીં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) સમિટમાં ઉપસ્થિત રહેશે. જેમાં પીએમ મોદી સમિટના એક સ્પેશિયલ સેશનને પણ સંબોધન કરશે. આ સમિટ 22 જાન્યુઆરી 2018થી શરુ થશે.

આપને જણાવી દઈએ કે, પીએમ મોદી 20 વર્ષ બાદ દાવોસની મુલાકાતે જનારા ભારતના પીએમ બનશે. આ પહેલા વર્ષ 1997માં તત્કાલીન વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાએ દાવોસ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારબાદ હજી સુધી ભારતના કોઈ વડાપ્રધાને દાવોસ સમિટમાં હાજરી આપી નથી.

આ વખતે WEFમાં આશરે 3000 લોકો હાજરી આપી શકે છે. આ સમિટ 22થી 27 જાન્યુઆરી સુધી સ્વિત્ઝરલેન્ડના શહેર દાવોસમાં યોજાશે. સમિટનો આ વખતનો વિષય ‘વિભાજીત થઈ રહેલા વિશ્વમાં ભવિષ્યનું સર્જન’ રાખવામાં આવ્યો છે. દાવોસ સમિટ માટે ચેરમેનશીપની જવાબદારી સાત મહિલાઓને સોંપવામાં આવી છે. જેમાં ભારતની ઈન્ટરપ્રેન્યોર અને અક્ટિવિસ્ટ ચેતના સિંહાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમિટમાં વિશ્વની ટોચની કંપનીઓના CEO પણ ઉપસ્થિત રહેશે. ઉપરાંત વર્લ્ડ બેંક અને IMFના તમામ અધિકારીઓ પણ આ સમિટમાં હાજરી આપશે. સમિટમાં હાજરી આપનારા લોકોની અંતિમ યાદી જાન્યુઆરી-2018ના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.