નોઈડા: પીએમ મોદીએ કર્યું ‘ડ્રાઈવર લેસ’ મેટ્રો ટ્રેનનું ઉદઘાટન

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોની નવનિર્મિત મજેન્ટા લાઈનનું ઉદઘાટન કર્યું હતું. આ લાઈન દક્ષિણ દિલ્હીના કાલકાજી મંદિરને નોઈડાના બોટનિકલ ગાર્ડન સાથે જોડશે. આ પ્રસંગે પીએમ મોદી સાથે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં હતાં.

આ પહેલા ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા પીએમ મોદી નોઈડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતાં, જ્યાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે તેમનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈક પણ હાજર રહ્યાં હતા.

આ પહેલા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દિલ્હી મેટ્રોની નવનિર્મિત મજેન્ટા લાઈન શહેરી પરિવહનને વધુ આધુનિક બનાવશે. આ લાઈન દિલ્હી અને નોઈડા વચ્ચેની મુસાફરી વધુ ઝડપી અને આસાન બનાવશે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, દિલ્હી મેટ્રોની આ નવી લાઈન એક ઉદાહરણ પુરું પાડશે કે કેવી રીતે આપણે પરિવહનને વધુ સરળ અને ઝડપી બનાવી શકીએ છીએ.

કાલકાજી સ્ટેશનથી બોટનિકલ ગાર્ડન વચ્ચે નવ સ્ટેશન આવેલા છે. જેમાં કાલકા મંદિર સિવાયના તમામ સ્ટેશનો ઉપર (એલીવેટેડ) બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કાલકાજી સ્ટેશનથી બોટનિકલ ગાર્ડન આવનારા પ્રવાસીઓ તેમના પ્રવાસનો વર્તમાન સમય 52 મિનિટથી ઘટાડી ફક્ત 19 મિનિટમાં તેમનો પ્રવાસ પુરો કરી શકશે.

આપને જણાવી દઈએ કે, વર્ષ 2017માં પીએમ મોદી દ્વારા કરવામાં આવેલું મટ્રો ટ્રેનનું આ ત્રીજું ઉદઘાટન છે. આ પહેલા જૂન-2017માં પીએમ મોદીએ કોચ્ચિ મેટ્રો અને નવેમ્બર મહિનામાં હૈદરાબાદ મેટ્રોનું ઉદઘાટન કરી ટ્રેન સેવા દેશને સમર્પિત કરી હતી. આ બન્ને સ્થળો પર પીએમ મોદીએ ઉદઘાટન બાદ મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી.