નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ભારતમાં પણ પહેલી જ વાર કેસ નોંધાયા છે. બે કેસ નોંધાયા છે અને બંને કર્ણાટકમાં છે. આ જાણકારી આજે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી છે. સરકારે એમ પણ જણાવ્યું છે કે આ કેસથી દેશનાં લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સૌએ કોવિડ-અનુરુપ વ્યવહારોનું પાલન કરવાનું રહેશે અને જરાય વિલંબ વગર કોરોના-વિરોધી રસી લઈ લેવાની રહેશે. ઓમિક્રોનના એક દર્દીની ઉંમર 66 વર્ષ છે અને બીજાની 46 વર્ષ. બંને જણ પુરુષ છે. એક ધંધાદારી છે જ્યારે બીજો આરોગ્ય કર્મચારી છે. સરકારે એમના નામ ખાનગી રાખ્યા છે. બંનેને હળવા પ્રકારના લક્ષણો છે. આ બંને દર્દીનાં સંપર્કમાં આવેલી વ્યક્તિઓને પણ શોધી કાઢવામાં આવી છે અને એમનું પણ તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. ગંગારામ હોસ્પિટલના ડો. ધીરેને કહ્યું કે ભારતમાં ઓમિક્રોન દેખા દે એની ધારણા હતી જ. પરંતુ લોકોએ ગભરાવાની જરૂર નથી. સાથોસાથ સતર્ક પણ રહેવાનું છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 29 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના 373 કેસ નોંધાયા છે. સૌથી પહેલો કેસ 25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો.