‘વૈશ્વિક ભૂખ ઈન્ડેક્સ’માં ભારત 94મા સ્થાને

નવી દિલ્હીઃ વર્ષ 2020 માટે જાહેર કરવામાં આવેલા ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (વૈશ્વિક ભૂખ સૂચકાંક)માં ભારત 94મા નંબર પર છે. આ યાદીમાં 107 દેશોના નામ આપવામાં આવ્યા છે. ભારતનો સમાવેશ ભૂખની ‘ગંભીર’ શ્રેણીમાં કરવામાં આવ્યો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે કંગાળ અમલીકરણ પ્રક્રિયાઓ, અસરકારક દેખરેખનો અભાવ અને કુપોષણની સમસ્યાનો સામનો કરવામાં મોટા રાજ્યોનો કંગાળ દેખાવ – આ બાબતો ભારતના આટલા નીચા રેન્કિંગ માટે મુખ્યત્વે જવાબદાર છે.

ભારત ગયા વર્ષે 117 દેશોની યાદીમાં 102મા નંબર પર હતું.

પડોશી દેશો બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાન પણ ‘ગંભીર’ શ્રેણીમાં મૂકાયા છે, પરંતુ એમનું રેન્કિંગ ભારત કરતાં થોડુંક સારું છે. બાંગ્લાદેશ 75, મ્યાનમાર 78 અને પાકિસ્તાન 88મા નંબર પર છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સની વેબસાઈટ પર મૂકવામાં આવેલા અહેવાલ અનુસાર, ભારતની કુલ વસ્તીના 14 ટકા લોકો કુપોષણનો શિકાર બન્યા છે.