ભારત-પાકિસ્તાન સરહદે BSFના જવાનોએ કરી પ્રકાશપર્વની ઉજવણી

અમૃતસર- ભારતીય સેનાના વીર જવાનો દેશની સરહદોની સુરક્ષા માટે હમેશાં તૈયાર રહે છે. તેમના બધા તહેવારો પણ સરહદે જ ઉજવાય છે. આ વર્ષે ભારતીય સેનાના જવાનોએ પંજાબ સરહદે સીમા સુરક્ષાની ફરજ બજાવવાની સાથે પ્રકાશપર્વ દિવાળી પણ અહીં જ મનાવવાનું નક્કી કર્યું છે.

પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર BSFના જવાનોએ દિપ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરી અને આતિશબાજી પણ કરી હતી. પીએમ મોદી પણ સેનાના જવાનોનું મનોબળ વધારવા તેમની સાથે દિવાળી ઉજવશે તેમ જાણવા મળી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો પીએમ મોદી આ વર્ષે ભારત-ચીન સરહદ પર સેનાના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરશે.

સરહદ પર સેનાના જવાનો સાથે ન તો પરિવાર હોય છે, ના અન્ય કોઈ સંબંધી. જવાનો સાથે હોય છે તો ફક્ત દેશની રક્ષા કરવાનો ઉત્સાહ અને જોશ. પરંતુ આ બધી વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ જવાનો દેશવાસીઓની શુભકામનાની સાથે દિવાળી ઉજવે છે. તેમનું એક જ લક્ષ્ય હોય છે કે, દેશનો નાગરિક તેમનું જીવન શાંતિથી પસાર કરી શકે અને તહેવાર ઉજવી શકે.

આપને જણાવી દઈએ કે, ભારતીય સેનાના જવાનો પાકિસ્તાન તરફથી કરવામાં આવતા યુદ્ધવિરામના ઉલ્લંઘનનો સતત જવાબ આપતા રહે છે અને પોતાના જીવની પણ પરવા કરતા નથી. તેમના આ બલિદાનને કારણે જ આપણે શાંતિથી દરેક તહેવાર ઉજવી શકીએ છીએ.