નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર વિશ્વાસ સ્થાપવા અને શાંતિપૂર્ણ સંબંધો આગળ વધારવા માટે ઉત્તરી સિક્કિમ અને તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના ખંબા દજોંગમાં બંને દેશોની સેનાઓની વચ્ચે એક હોટલાઇન સ્થાપવામાં આવી છે, જેથી કોઈ પણ મુદ્દાને ઉકેલવા માટે બંને સેનાઓના કમાન્ડર સીધી વાતચીત કરી શકે.
સેનાએ કહ્યું હતું કે બંને દેશોના સશસ્ત્ર દળોની પાસે કમાન્ડર સ્તરના સારી રીતે સંદેશવ્યવહાર કરવા માટે આ હોટલાઇન સ્થાપવામાં આવી છે, એમ આર્મીએ કહ્યું હતું. આના એક દિવસ પહેલાં બંને સેનાઓની વચ્ચે નવ કલાક સુધી લાંબી બેઠક ચાલી હતી.
સેનાએ કહ્યું હતું કે આ હોટલાઇનનો હેતુ બંને દેશોની સરહદે વિશ્વાસ સ્થાપવાનો અને સૌહાર્દપૂર્ણ સંબંધો આગળ વધારવાનો છે.બંને સેનાની વચ્ચે હોટલાઇન સેવા એક ઓગસ્ટ શરૂ થઈ છે અને એ દિવસે જ PLA દિવસ ઊજવવામાં આવે છે. સેનાએ જણાવ્યું હતું કે આ હોટલાઇનનો પ્રારંભે બંને તરફના ગ્રાઉન્ડ કમાન્ડર હાજર હતા અને આપસી ભાઇચારા અને દોસ્તીના સંદેશની આપ-લે કરવામાં આવી હતી.
બંને સેનાઓ વચ્ચે પૂર્વમાં થઈ રહેલા ઘર્ષણને લીધે આ હોટલાઇનની સ્થાપના કરવામાં આવી હતી. એ બંને સેનાઓની વચ્ચે સ્થાનિક કમાન્ડરો માટે છઠ્ઠી હોટલાઇન સ્થાપવામાં આવી છે. આ પહેલાં લદ્દાખમાં બે, અરુણાચલ પ્રદેશમાં બે અને સિક્કિમમાં બે હોટલાઇન સ્થાપવામાં આવી ચૂકી છે.