કોરોનાની ત્રીજી-લહેર આ મહિને દસ્તક દે એવી શક્યતા

નવી દિલ્હીઃ દેશમાં નવા કોરોના કેસોમાં સાપ્તાહિક દરમાં ઉછાળો નોંધાયો છે, જેને લઈને નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. કોવિડ રોગચાળાની અંદાજિત ત્રીજી લહેર ઓગસ્ટમાં આવવાની સંભાવના છે, જે ઓક્ટોબરમાં પીક પર પહોંચવાની ધારણા છે. જેથી દેશમાં દૈનિક ધોરણે એક લાખથી ઓછા સંકમણના કેસો આવવાની અપેક્ષા છે. આ ઉપરાંત ત્રીજી લહેર પીક પર પહોંચશે, ત્યારે આશરે દોઢ લાખ કેસ આવવાની સંભાવના છે, એમ એક અભ્યાસ કહે છે.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) હૈદરાબાદ અને કાનપુરના પ્રોફેસરો એમ. વિદ્યાસાગર અને મનીન્દ્ર અગ્રવાલની આગેવાની હેઠળની રિસર્ચ ટીમે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના કેસોમાં વધારો થવાની સાથે ત્રીજી લહેર આગળ વધશે. વિદ્યાસાગરે જણાવ્યું હતું કે કેરળ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં કેસોમાં વધારો થવાની સાથે સ્થિતિમાં વધુ વણસશે.

ગયા મહિને અગ્રવાલે કે જેઓ વૈજ્ઞાનિક છે અને સરકારી પેનલ પર પણ છે, તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસની સંભવિત ત્રીજી લહેર ઓક્ટોબર અને નવેમ્બરમાં તેના પીક પર હશે. આ પહેલાં મે મહિનામાં બીજી લહેર પીક પર હતી, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત અને બેડની પણ અછત સર્જાઈ હતી.

સાત મેએ દેશમાં કોરોનાના 4,14,188 કેસો નોંધાયા હતા, જે બીજી લહેરમાં સૌથી વધુ દૈનિક કેસો હતા. કેન્દ્રએ હાલમાં 10 રાજ્યોમાં કોરોનાના નવા કેસોના પરીક્ષણ –પોઝિટિવિટી દરમાં વધારો થતાં સંક્રમણને કાબૂમાં લેવા નિર્દેશ આપ્યા હતા.