ગુરુગ્રામઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે કહ્યું છે કે કોરોના વાઈરસ મહાબીમારી સામેના જંગમાં ભારત સારી સ્થિતિમાં છે અને આપણો દેશ આ રોગચાળાનો પૂરા જોમ અને જુસ્સા સાથે મુકાબલો કરશે.
અહીં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPF) દ્વારા હાથ ધરવામાં આવેલી મેગા વૃક્ષારોપણ ઝુંબેશમાં સહભાગી થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં અમિત શાહે આમ કહ્યું હતું. એમણે એ પણ જણાવ્યું કે જુલાઈ મહિનાના અંત સુધીમાં દેશભરમાં CAPF કેમ્પસોમાં આશરે 1.37 કરોડ ઝાડ રોપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.
શાહે કાદરપુર ગામમાં CRPF અધિકારીઓના તાલીમ એકેડેમી કેમ્પસમાં પીપળાના ઝાડનો રોપ વાવ્યો હતો.
અમિત શાહે CAPFના વિવિધ દળના વડાઓ અને જવાનોને સંબોધન કર્યું હતું જેમણે આ સંબોધન એક વેબિનાર લિન્ક ઉપર સાંભળ્યું હતું.
શાહે કહ્યું કે, તમામ દેશો જોઈ રહ્યા છે કે દુનિયાભરમાં જો ક્યાંય કોરોના વાઈરસ સામે સફળતાપૂર્વક જંગ ખેલાતો હોય તો એ ભારત છે, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ આ લડાઈ લડવામાં આવી રહી છે.
‘આપણે ત્યાં શાસનનું જે પ્રકારનું સમવાય તંત્ર છે, 130 કરોડની ગીચ વસ્તી છે અને કોઈ એક હાથમાં હકૂમતની પકડના અભાવને કારણે કોરોના સામેનો પડકાર આપણો દેશ ઝીલી નહીં શકે એવો ભય રાખવામાં આવ્યો હતો,’ એમ પણ શાહે વધુમાં કહ્યું.
શાહે કહ્યું કે દેશના તમામ રાજ્યોના મળીને 130 કરોડ લોકોએ, પ્રત્યેક વ્યક્તિએ કોરોના વાઈરસ સામેના જંગમાં એક રાષ્ટ્ર તરીકે લડત આપી છે. દુનિયાભરમાં અનેક દેશોની સરકારો આ રોગચાળા સામે સંઘર્ષ કરી રહી છે, પણ આપણા દેશમાં દરેક જણે હાથ મિલાવીને આ બીમારી સામે લડત ચલાવી છે. કોરોના વાઈરસ સામેની લડાઈમાં આપણે સારી સ્થિતિમાં છીએ અને આ લડતને આપણે પૂરા જોમ અને જુસ્સા સાથે ચાલુ રાખીશું અને ભયનું વાતાવરણ સર્જાવા નહીં દઈએ.
દેશના ગૃહ પ્રધાન તરીકે મને એ કહેતા ગર્વ થાય છે કે આપણા દેશના સુરક્ષા દળો ભારતે કોરોના સામે આદરેલા જંગમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. કોવિડ-19 બીમારી અત્યંત ખતરનાક છે જેણે સમસ્ત માનવજાતના અસ્તિત્વ પર જોખમ ખડું કર્યું છે.