વિકાસ દુબેની સંપત્તિ મામલે હવે ઈડી કરશે તપાસ

લખનઉઃ ગુનાખોરીનો એક મોટો ઈતિહાસ ધરાવતા વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયા બાદ હવે ઉત્તર પ્રદેશ એસટીએફ સાથે ઈડીએ તેના કાળા કારોબાર વિશે તપાસ શરુ કરી છે. તેની સંપત્તિઓની સાથે તેના આકાઓ અને ફાઈનાન્સર્સને પણ હવે શોધવામાં આવશે. ઈડીએ વિકાસ દુબેની તમામ ઘોષિત અને અઘોષિત સંપત્તિઓની તપાસ શરુ કરી દીધી છે. અત્યારે વિકાસ વિરુદ્ધ મની લોન્ડ્રિંગની તપાસ શરુ કરવામાં આવી છે. ઈન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ કાનપુર પાસેથી વિગતો માંગવામાં આવી છે કે, વિકાસ દુબેના સહયોગીઓ પાસેથી પોલીસને શું-શું મળ્યું છે. કાનપુરમાં વિકાસ દુબે તેમજ તેના સહયોગીઓ વિરુદ્ધ કેસ નોંધાયા બાદ કેસની ઈડીએ નોંધ લીધી છે અને કાનપુર ઈન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ પાસેથી તમામ વિગતો માંગી છે.

ઈડીને જાણકારી મળી છે કે, ગત ત્રણ વર્ષમાં વિકાસ દુબેએ 15 દેશોની યાત્રા કરી હતી. સંયુક્ત અરબ અમીરાત અને થાઈલેન્ડમાં એક-એક પેંટહાઉસ પણ ખરીદ્યું હતું. બાદમાં તાજેતરમાં જ તેણે લખનઉમાં આશરે 20 કરોડ રુપિયાની પ્રોપર્ટી ખરીદી હતી. લખનઉમાં મકાનની કીંમત 20 કરોડ છે જ્યારે કાનપુરમાં વિકાસ દુબેના કેટયાય મકાનો છે. કાનપુરના પનકીમાં દુબેનું એક ડુપ્લેક્સ મકાન છે. ત્યાં વિકાસની પાસે 11 ઘર અને 16 ફ્લેટ્સ છે.