કોલકાતાઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી (MVA)ની હારની અસર હવે ઇન્ડિયા એલાયન્સ પર પડી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એના સંકેત આપ્યા છે. TMCના સાંસદ કલ્યાણ બેનરજીએ રાહુલ ગાંધીને એક નબળા નેતા ગણાવ્યા છે.
કોંગ્રેસ હરિયાણા અથવા મહારાષ્ટ્રમાં ઇચ્છિત પરિણામો મેળવવામાં નિષ્ફળ રહી છે. અમને કોંગ્રેસથી સારા દેખાવની અપેક્ષા હતા. ઇન્ડિયા ગઠબંધન તો છે, પણ અપેક્ષિત પરિણામ પ્રાપ્ત નથી થઈ રહ્યાં અને પરિણામ પ્રાપ્ત કરવામાં કોંગ્રેસ તરફથી મોટી નિષ્ફળતા સાંપડી છે. જો તમે ભાજપની વિરુદ્ધ લડવા ઇચ્છો છો તો એ જરૂરી છે કે ઇન્ડિયા ગઠબંધન મજબૂત હોવું જોઈએ અને એને એક મજબૂત નેતાની જરૂર છે. હવે એ નેતા કોણ હોઈ શકે? એ મૂળ સવાલ છે. કોંગ્રેસે બધા પ્રયોગ કર્યા છે, પરંતુ એ નિષ્ફળ રહી છે, એમ તેમણે કહ્યું હતું.
આ પહેલાં કોંગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તરફથી બોલાવવામાં આવેલી ઇન્ડિયા બ્લોકની બેઠકમાં TMC સામેલ નહોતી થઈ. TMCએ કહ્યું હતું કે પાર્ટીનાં નેતા કોલકાતામાં પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વ્યસ્ત હતા, પણ તેમની ગેરહાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે મમતા બેનરજીને ઇન્ડિયા એલાયન્સના નેતા બનાવવાની માગ કરી હતી.સાસંદ કલ્યાણ બેનરજીએ કોંગ્રેસને અહંકાર ત્યાગવા અને CM બેનરજીને ઇન્ડિયા એલાયન્સના ચહેરા તરીકે સ્વીકારવાનો આગ્રહ કર્યો હતો. TMCના લોકસભામાં ચીફ વ્હિપે કહ્યું હતું કે વારંવાર હાર છતાં તેઓ (કોંગ્રેસ, રાહુલ ગાંધી) અહંકાર કેમ ત્યાગી નથી રહ્યા? અને CM બેનરજીને જવાબદારી કેમ નથી સોંપી રહ્યા? માત્ર ભાજપનો મૃત્યુઘંટ તેઓ જ વગાડી શકે છે, એમ તેમણે કહ્યું હતું.