ઓડિશા- ઓડિશાના બાલાસોરમાં અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતે અગ્નિ-1 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ આ મિસાઈલનું પરીક્ષણ ભારતીય સેનાના સ્ટ્રેટેજીક ફોર્સ કમાંડ દ્વારા કરવામાં આવ્યું હતું. અગ્નિ-1 મિસાઈલ 700 કિમીની મારક ક્ષમતા ધરાવે છે. અને જમીનથી જમીન પર પ્રહાર કરવા સક્ષમ છે. રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણે સેનાને અગ્નિ-1 મિસાઈલના સફળ પરીક્ષણની શુભેચ્છા પાઠવી હતી.મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ 5 હજારથી વધુ કિમીની મારક ક્ષમતા ધરાવતી અને કોઈ પણ ટાર્ગેટને તોડી પાડવામાં સક્ષમ અગ્નિ-5 મિસાઈલનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અગ્નિ-5 તેની સાથે અનેક પરમાણુ હથિયાર લઈ જઈ શકવામાં સક્ષમ છે. ઉપરાંત આ મિસાઈલની રેન્જમાં ચીન અને પાકિસ્તાન પણ આવી જાય છે.
ભારતીય સેનામાં પૃથ્વી અને ધનુષ જેવી મધ્યમ રેન્જની મારક ક્ષમતા ધરાવતી મિસાઈલ ઉપરાંત અગ્નિ-1, 2, 3 મિસાઈલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે વધુ મારક ક્ષમતા ધરાવતી અગ્નિ-4 અને અગ્નિ-5 મિસાઈલ ખાસ ચીન અને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.