તો સાંસદો અને ધારાસભ્યો વકીલાત કરી શકશે નહીં

નવી દિલ્હી- બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની કમિટી રિપોર્ટ સાર્વજનિક થતાં પહેલાં હવે સાંસદો અને ધારાસભ્યોને વકીલાત કરતાં રોક લગાવવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.બાર કાઉન્સિલના ત્રણ સદસ્યોની કમિટીએ આ અંગે પોતાનો રિપોર્ટ તો સોંપ્યો છે પરંતુ હજી સુધી તેને સાર્વજનિક કરવામાં નથી આવ્યો. આ મામલાની સુનાવણી દરમિયાન જો કોર્ટ કહેશે તો  રિપોર્ટ સીલબંધ કવરમાં અથવા સાર્વજનિકરુપે રેકોર્ડ પર રાખવામાં આવી શકે છે.

ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માગ કરી છે કે, સાંસદો અને ધારાસભ્યોને વકીલ તરીકે પ્રેક્ટિસ કરવા પર રોક લગાવવામાં આવે. અરજીમાં જણાવ્યા મુજબ બાર કાઉન્સિલના વિધાન અને નિયમાવલી મુજબ કોઈ પણ જગ્યાએથી પગાર મેળવનારા કોઈ પણ વ્યક્તિ વકીલાત કરી શકે નહીં. કારણકે વકીલાત એ પૂર્ણકાલીન અને સમર્પિત વ્યવસાય છે. હવે જો સાંસદો અને ધારાસભ્યો સરકારી ખજાનામાંથી પગાર મેળવતા હોય તો સાથે-સાથે કોર્ટમાં પ્રેક્ટિસ કેવી રાતે કરી શકે?

આ અરજીની મર્યાદામાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ કપિલ સિબલ, પી. ચિદમ્બરમ, વિવેક તનખા, કેટીએસ તુલસી, NCPના માજિદ મેમણ સહિત અનેક મોટી પાર્ટીના નેતાઓનો સમાવેશ થઈ જશે. આ એ નેતાઓ છે જે સરકારી ખજાનામાંથી પગાર મેળવવાની સાથે-સાથે વકીલાત કરીને જનતા પાસેથી ફીના પૈસાના રુપમાં મોટી રકમ વસુલ કરે છે.

અરજીમાં જણાવ્યા મુજબ દેશનો કોઈ પણ નાગરિક જ્યાં સુધી સાંસદ અથવા ધારાસભ્યના પદ પર છે ત્યાં સુધી તેના વકીલાતની પ્રેક્ટિસ કરવા ઉપર રોક લગાવવી જોઈએ. પદની શપથ લેતાની સાથે જ તેનું વકીલાતનું લાઈસન્સ ત્યાં સુધી કેન્સલ કરવું જોઈએ જ્યાં સુધી તે જે-તે પદ ઉપર રહે છે. પદભાર મુક્ત થયા બાદ અથવા પદ પરથી રાજીનામું આપ્યા બાદ તે ફરીવાર પોતાના વકીલાતના લાઈસન્સને રિન્યૂ કરાવી શકે છે.