નવી દિલ્હીઃ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં દેશનાં વિવિધ રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુઓ અયોધ્યા આવ્યા હતા. અયોધ્યામાં રામ મંદિરના બનવા સાથે દેશમાં ધાર્મિક ટુરિઝમમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને યુવાનોમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું ચલણ વધ્યું છે. ઇન્ટરનેટ સર્ચમાં પણ ધાર્મિક ટુરિઝમમાં 350 ટકાનો વધારો થયો છે, જેમાં નવા વર્ષે રામનગરીમાં સૌથી વધુ બુકિંગ થયાં છે.
કેન્દ્રીય પર્યટન મંત્રાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં 143.30 કરોડ સ્થાનિક શ્રદ્ધાળુઓએ ખાસ કરીને યુવાનોએ તીર્થ સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન 66 લાખથી વધુ વિદેશી શ્રદ્ધાળુઓએ પણ દેશનાં ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. અયોધ્યામાં નવનિર્મિત રામલલ્લા મંદિરની મુલાકાત માટે બસ દ્વારા પ્રવાસ કરતાં શ્રદ્ધાળુઓનો મોટો હિસ્સો 20-25 વયજૂથનો છે, જે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રત્યે યુવાનોનું ગાઢ જોડાણ દર્શાવે છે. દેશમાં ઓનલાઇન બસ-ટિકિટિંગ પ્લેટફોર્મ અભિબસે વર્તમાન સપ્તાહની શરૂઆતથી વિશેષ કરીને Gen Z (1995થી 2010ની વચ્ચે જન્મેલા યુવા) પ્રવાસીઓમાં અયોધ્યાની મુસાફરીની માગમાં માસિક ધોરણે 86 ટકાનો વધારો જોયો છે. આ વધારો રામલલ્લા મંદિરની મુલાકાત માટે યુવા પેઢી વચ્ચે જબરદસ્ત ઉત્સાહ અને આધ્યાત્મિક ઝુકાવનો નોંધપાત્ર ટ્રેન્ડ દર્શાવે છે.
અયોધ્યાની મુલાકાત માટે અભિબસ ઉપર બસ પ્રવાસની સૌથી વધુ માગ દિલ્હી, વારણસી અને લખનઉ જેવાં શહેરોમાંથી જોવા મળી છે. શહેરોના સંદર્ભમાં હૈદરાબાદ અને મુંબઇ ચોથા અને પાંચમા ક્રમે છે, જ્યાંથી શ્રદ્ધાળુઓ બસ દ્વારા અયોધ્યાનો પ્રવાસ કરી રહ્યા છે.આ ટ્રેન્ડ વિશે પ્રતિક્રિયા આપતાં અભિબસના ચીફ ઓપરેટિંગ ઓફિસર રોહિત શર્માએ કહ્યું હતું કે છેલ્લાં એક વર્ષમાં અમે આધ્યાત્મિક સ્થળોની શોધમાં યુવા પ્રવાસીઓ વચ્ચે તીર્થયાત્રાની વધતી રુચિ જોઈ છે. વળી, નવા અયોધ્યા એરપોર્ટના લોંચથી અયોધ્યા જવા અને પરત ફરવા માટે ફ્લાઇટ ટ્રાવેલની શોધમાં આ મહિને 300 ટકાથી વધુનો વધારો જોયો છે. જાન્યુઆરીમાં ટ્રેન ટ્રાવેલ સર્ચમાં પણ માસિક 100 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.