નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની મોસમ શરૂ થઈ ગઈ છે, ત્યારે મોદી સરકારના બધા મંત્રીઓ અને વિપક્ષના નેતાઓ હેલિકોપ્ટરનો ઉપયોગ ચૂંટણીપ્રચારમાં કરી રહ્યા છે. જેથી 81 દિવસના શિડ્યુલ 19 એપ્રિલથી પહેલી જૂન) સુધીમાં ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરની માગમાં જે વધારો થયો છે, એ આ પહેલાં ક્યારેય નહોતો જોવા મળ્યો. રાજકીય નેતાઓની હેલિકોપ્ટરની માગમાં 15થી 20 ટકાનો ઉછાળો આવ્યો છે.
દેશમા આશરે 200 હેલિકોપ્ટર છે. સરકારી અને અર્ધસરકારી વિભાગોને છોડી દઈએ તો ખાનગી ક્ષેત્રની પાસે આશરે 160 હેલિકોપ્ટર છે, જેમાંથી 100નો ઉપયોગ ચૂંટણીપ્રચાર માટે વિવિધ પક્ષોના નેતાઓ અને રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવે છે.ચૂંટણી દરમ્યાન હેલિકોપ્ટરનું ભાડું આશરે રૂ. પાંચ લાખ પ્રતિ કલાક પહોંચી જાય છે. સામાન્ય રીતે પ્રતિ કલાકનું હેલિકોપ્ટરનું ભાડું રૂ. 1.5-25 લાખ હોય છે. સામાન્ય રીતે હેલિકોપ્ટર મહિને 275થી 300 કલાક ઉપયોગમાં લેવાતું હોય છે, પણ હાલ એપ્રિલ, મે મહિનામાં ચૂંટણીને કારણે 450 કલાકની ઉડાન ભરે છે, એમ ક્લબ વન એરના CEO રાજન મહેરાએ જણાવ્યું હતું.
લોકસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ હજી બધી સીટો પર ઉમેદવારોની જાહેરાત નથી કરી, તેમ છતાં એડવાન્સમાં જ તમામ ચાર્ટર્ડ પ્લેન અને ચોપરનાં બુકિંગ ફુલ થઈ ચૂક્યાં છે.લોકસભા ચૂંટણી દરમ્યાન ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવા પર ચૂંટણી પંચ પણ સતર્ક છે. ચૂંટણી પંચે તમામ એરપોર્ટ, એરલાઇન્સ અને એવિયેશન સેક્ટર સંબંધિત વિભાગોને દિશા-નિર્દેશ આપ્યા છે, જેનો હેતુ આ માધ્યમથી પૈસાના આદાનપ્રદાન સહિત અન્ય પ્રકારના દુરુપયોગને અટકાવવાનો છે.
