2019ની લોકસભાની ચૂંટણી બેલેટ પેપરથી થાય, ભાજપ હારશેઃ માયાવતી

લખનઉ– ઉત્તરપ્રદેશમાં સ્થાનીક ચૂંટણીમાં ભાજપને મળેલી બમ્પર જીત પર ભાજપ અને યોગી સરકાર ખુશ થઈ ગઈ છે. પણ વિપક્ષો આ પરિણામ પછી પણ તેમનો જુનો રાગ આલાપી રહ્યા છે. નગર નિગમોમાં 46 ટકા બેઠકો જીતનાર ભાજપને નગર પાલિકા અને નગર પંચાયતમાં 15 ટકા બેઠકો પર જીત મળી છે. નોંધપાત્ર બાબત એ છે કે નગર નિગમમાં જ્યાં ઈવીએમથી મતદાન થયું હતું, જ્યારે નગર પંચાયત અને નગર પાલિકામાં મતદાન મતપત્રોથી થયું હતું. વિપક્ષી દળોમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને બસપાના સુપ્રીમો માયાવતી તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. ભાજપને ઈવીએમમાં જીત મળી છે. બેલેટ પેપરથી હરાવીને બતાવે.માયાવતીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જો ભાજપને આ વાત પર ભરોસો હોય કે જનતા તેમની સાતે છે તો 2019માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં મતદાન બેલેટ પેપરથી કરાવે, અને ઈવીએમને હટાવી દે.

બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપને ઘેરતા કહ્યું હતું કે 2014માં લોકસભાની ચૂંટણીથી લઈને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઈવીએમમાં છેડછાડ કરી હતી. સ્થાનીક ચૂંટણીમાં પણ ભાજપે ઈવીએમમાં છેડછાડ કરી છે. માયાવતીએ કહ્યું છે કે જો આ વખતે ભાજપ ઈવીએમમાં છેડછાડ ન કરતી તો અમારા વધુ મેયર જીતી જાત. અને વધારે બેઠકો મળત. તેમણે પડકાર ફેંકયો છે કે જો ભાજપ ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવી હોત તો કોઈપણ હાલતમાં તેઓ સત્તા હાંસલ ન કરી શકત.

માયાવતીની જેમ અખિલેશ યાદવે પણ ભાજપ અને ઈવીએમનો મુદ્દો ઉઠાવ્યો છે. અખિલેશે ટ્વીટ કર્યું છે કે ભાજપે બેલેટ પેપરના વિસ્તારોમાં માત્ર 15 ટકા બેઠકો જીતી છે, અને ઈવીએમના વિસ્તારોમાં તેમણે 46 ટકા બેઠકો જીતી છે. સાફ દેખાય છે કે અખિલેશ પણ ભાજપની જીતને ઈવીએમ સાથે જોડી રહ્યા છે.