સ્થાનિક ચૂંટણીમાં જંગી જીતથી યોગીનું કદ વધશે

લખનઉ- ઉત્તરપ્રદેશની સ્થાનિક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જંગી જીત બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું કદ પ્રદેશના રાજકારણ અને પાર્ટીમાં વધુ મજબૂત થયું છે. રાજકીય પંડિતોના મતે આ ચૂંટણી યોગી આદિત્યનાથ માટે અગ્નિ પરીક્ષા સમાન હતી. યોગી આદિત્યનાથે સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 34 જનસભાને સંબોધન કર્યું હતું.

ભારતીય જનતા પાર્ટીની આ બમ્પર જીત સાથે યોગીએ તેમની પ્રથમ પરીક્ષા સારા નંબરો સાથે પાસ કરી છે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. અને આમ પણ ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતિ મેળવ્યા બાદ યોગી પાસેથી પક્ષની અપેક્ષા વધી હોય તે સ્વાભાવિક છે. જો સ્થાનિક ચૂંટણીના પરિણામો ભાજપની અપેક્ષાથી વિપરિત આવ્યા હોત તો યોગીની છબી ઉપર તેની સીધી અસર જોવા મળી હોત. આ ચૂંટણીના પરિણામો સપા, બસપા અને કોંગ્રેસ માટે પણ આડકતરો સંદેશ કહી શકાય.

સ્વાભાવિક છે કે, ઉત્તરપ્રદેશની જીતનો ઉપયોગ ભાજપ ગુજરાત ઈલેક્શનમાં કરશે. આપને જણાવી દઈએ કે, ગત બે વર્ષ દરમિયાન મહારાષ્ટ્ર,રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી અને હિમાચલ પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. પાર્ટીએ ઉપરોક્ત રાજ્યોમાં સ્પષ્ટ બહુમતિ સાથે જીત મેળવી હતી.

આ ઉપરાંત ઓડિશા અને બેંગાલુરુની સ્થાનિક ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી દક્ષિણ-પૂર્વના રાજ્યોમાં પોતે મજબૂત થઈ રહી હોવાનો સંકેત આપ્યો છે. અને હવે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં સ્થાનિક ચૂંટણઈમાં જંગી જીત મેળવી હવે ગુજરાત વિધાનસભામાં પણ મોટી જીત મેળવવા તરફ પાર્ટી પ્રયાસ કરશે.