દિલ્હી સ્મોગ: પ્રદૂષણનું સ્તર થોડું ઘટ્યું પણ જોખમ યથાવત છે

નવી દિલ્હી- રાજધાની દિલ્હીમાં ગતરોજ હવાનું પ્રદૂષણ માપનારો એર ઈન્ડેક્સ 343 નોંધાયો હતો. જે ગુરુવારે નોંધાયેલા એર ઈન્ડેક્સ 360 કરતાં થોડો ઓછો હતો. એનો અર્થ એ થયો કે, હવામાં પ્રદૂષણનું પ્રમાણ થોડું ઓછું થયું છે. જોકે હજી દિલ્હીવાસીઓ માટે કોઈ ખાસ મોટી રાહત મળે તેમ નથી જણાઈ રહ્યું.

હવામાન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે પહાડો પરથી આવી રહેલી ઠંડી હવાએ દિલ્હીની હવામાં ભેજનું પ્રમાણ ઓછું કર્યું છે. જેથી પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ આ પ્રક્રિયા ટૂંકાગાળાની છે તેમ હવામાન વિભાગના નિષ્ણાંતોનું માનવું છે. આગામી 5 ડિસેમ્બર બાદ દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર ફરી એકવાર વધશે તેમ જણાવાઈ રહ્યું છે.

CPCBના જણાવ્યા અનુસાર દિલ્હી-NCRમાં કેટલાક વિસ્તારોમાં વિતેલા ત્રણ દિવસો દરમિયાન પ્રદૂષણમાં વધારો નોંધાયો છે. જેમાં આનંદ વિહાર, DTU, મથુરા રોડ, ગાઝિયાબાદ, આર.કે. પુરમ, નોઈડામાં સેક્ટર- 125ના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઉપરોક્ત બધા જ વિસ્તારોમાં એર ઈન્ડેક્સ 350થી વધુ નોંધાયો છે. જેમાં ગાઝિયાબાદ, આર.કે. પુરમ અને નોઈડા સેક્ટર- 125માં એર ઈન્ડેક્સ 400થી પણ વધુ નોંધાયો છે.

CPCBના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર ડી. સાહાના જણાવ્યા મુજબ રાજધાનીમાં પ્રદૂષણ ઓછું તો થયું છે પરંતુ હવામાં તેનું પ્રમાણ 300 એર ઈન્ડેક્સથી ઓછા થવાની શક્યતા નથી જણાઈ રહી. જેથી હાલમાં દિલ્હીવાસીઓ ઉપર જોખમ યથાવત છે તેમ કહી શકાય.