લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં PM સહિત અનેક દિગ્ગજો મેદાનમાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પહેલી જૂને થશે. આ તબક્કામાં આઠ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 57 સીટો પર મતદાન થશે. સાતમા તબક્કામાં વડા પ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કંગના રણોત હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.

વડા પ્રધાન મોદીએ દેશમાં મોટા પાયે ચૂંટણીપ્રચાર કર્યો હતો. વડા પ્રધાન મોદીએ દેશમાં ચૂંટણીની જાહેરાત પછી આશરે 75 દિવસોમાં 200થી વધુ ચૂંટણી સભાઓ કરી હતી. તેમણે દેશ-વિદેશના મિડિયા હાઉસોને 80 ઇન્ટવ્યુ આપ્યા હતા. તેમને મોટા ભાગના રાજ્યોમાં રોડ-શો કર્યા હતા. તેમણે સૌથી વધુ 22 જનસભાઓ અને કુલ 31 ચૂંટણી કાર્યક્રમ માત્ર ઉત્તર પ્રદેશમાં કર્યા હતા.

સાતમા તબક્કામાં અન્ય દિગ્ગજ ઉમેદવારોમાં જોઈએ તો ગોરખપુરથી રવિ કિશન, હમીરપુરથી અનુરાગ ઠાકુર, ડાયમંડ હાર્બરથી TMCના અભિષેક બેનરજી, ભોજપુરી કલાકાર પવન સિંહ અને કેન્દ્રીય મંત્રીઓની કિસ્મતનો નિર્ણય EVMમાં કેદ થશે.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13-13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર અને ઝારખંડની ત્રણ સીટો સામેલ છે. એ સાથે ચંડીગઢની એકમાત્ર સીટ પર મતદાન થશે. લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા, ત્રીજા તબક્કામાં 65.68 ટકા અને ચોથા તબક્કામાં 69.16 ટકા મતદાન, પાંચમા તબક્કામાં 62.2 ટકા અને છઠ્ઠા તબક્કામાં 57 સીટો પર 61.98 ટકા મતદાન નોંધાયું હતું. સાતમા તબક્કામાં મતદાન પહેલી જૂને થશે અને ચૂંટણી પરિણામો ચોથી જૂને જાહેર થશે.