નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના નગરોટામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. સવારે પાંચ કલાકે આશરે અથડામણ શરૂ થઈ હતી. હાલ આ અથડામણ પૂરી થઈ ગઈ છે, પણ સર્ચ ઓપરેશન જારી છે. જમ્મુ-કાશ્મીર હાઇવેને બંધ કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે ચાર આતંકવાદીઓ ટ્રકમાં છુપાયેલા હતા અને ટ્રકમાં તેમને ઢેર કરવામાં આવ્યા હતા. જોકે આ અથડામણમાં એસઓજીના બે જવાન પણ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે જીએમસીમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને બાજુથી કેટલાય રાઉન્ડ ધુંઆધાર ફાયરિંગ થયું હતું.
મોટી દુર્ઘટના ટળી
પ્રાપ્ત માહિતી અનુસાર ચારે આતંકવાદીઓ એક ટ્રકમાં સવાર હતા, જેવું ફાયરિંગ શરૂ થયું કે તરત સુરક્ષા દળોએ સક્રિયતા બતાવતાં ટ્રકને ઘેરી લીધી હતી અને આતંકવાદીઓને ટ્રકથી બહાર નીકળવા નહોતા દીધા, કેમ કે આ જંગલ વિસ્તાર હતો. જો આતંકવાદીઓ ટ્રકમાંથી બહાર આવી જાત તો અથડામણ લાંબી ચાલત. સુરક્ષા દળોની ચપળતાએ આતંકવાદીને ટ્રકથી બહાર નહીં આવવા દીધા, જેથી મોટી દુર્ઘટના ટળી ગઈ. આતંકવાદીઓ પાસે આધુનિક હથિયાર હતાં, પણ સુરક્ષા દળોએ આતંકવાદીઓને બે કલાકમાં જ આતંકવાદીઓને ખતમ કરીને ઓપરેશન ખતમ કર્યું હતું.
હાલ સુરક્ષા દળો એ વાતની ખાતરી કરી રહ્યા છે કે આતંકવાદીઓની સંખ્યા ચાર હતી. એના માટે તેઓ જંગલોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આના પહેલાં 31 જાન્યુઆરીએ પણ આ પ્રકારે ટ્રકમાં આતંકવાદીઓ આવ્યા હતા અને તેઓ જંગલોમાં છુપાઈ ગયા હતા. જોકે સુરક્ષા દળોએ તેમને પણ ઢેર કર્યા હતા.