લદાખને ચીનમાં દર્શાવ્યું; ટ્વિટરે ભારતની માફી માગી

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા કંપની ટ્વિટરે ખોટી રીતે લદ્દાખને ચીનનો હિસ્સો બતાવવાના મામલે લેખિતમાં માફી માગી છે. આ મામલે તપાસ માટે બનાવવામાં આવેલી સંસદીય સમિતિ પાસે ટ્વિટરે લેખિતમાં માફી માગી લીધી છે. સમિતિનાં અધ્યક્ષા મીનાક્ષી લેખીએ આ માહિતી આપી હતી. ટ્વિટરે આ મામલે પોતાની ભૂલ સુધારવા માટે 30 નવેમ્બર સુધીનો સમય માગ્યો હતો.

ભારતના નકશાને ખોટી રીતે દર્શાવવા માટે ટ્વિટર ઇન્ક.ના મુખ્ય પ્રાઇવસી અધિકારી ડેમિયન કરેને એક સોગંદનામું આપીને માફી માગી છે. ગયા મહિને ડેટા પ્રોટેક્શન બિલ પર સંસદની સંયુક્ત સમિતિએ લદ્દાખને ચીનનો હિસ્સો બતાવવા બદલ ટ્વિટરની કડક આલોચના કરી હતી. સમિતિએ કહ્યું હતું કે આ પ્રકારની વર્તણૂક દેશદ્રોહની શ્રેણીમાં આવે છે. ત્યારબાદ ટ્વિટર પાસે માફી મગાવવાનો આગ્રહ રજૂ કરવામાં આવ્યો હતો. સમિતિએ ભૂલને વહેલી તકે સુધારી લેવા માટે ટ્વિટરને કડક ચેતવણી પણ આપી હતી. હવે મિનાક્ષી લેખીની અધ્યક્ષતામાં બનેલી સમિતિની ટ્વિટર ઇન્ડિયાના પ્રતિનિધિઓએ માફી માગી છે, પણ સમિતિના સભ્યોએ ચેતવણી આપતાં કહ્યું હતું કે આ એક ગુનાઇત કૃત્ય છે, જેનાથી દેશની અખંડિતતાને ઠેસ પહોંચી છે. સમિતિના સભ્યોએ કહ્યું હતું કે માફીપત્ર માટે એક સોગંદનામું ટ્વિટર ઇન્ક. દ્વારા રજૂ થવું જોઈએ, નહીં કે એની માર્કેટિંગ પાંખ – ટ્વિટર ઇન્ડિયા દ્વારા.

આ માગ પછી ટ્વિટર ઇન્ક.ના મુખ્ય પ્રાઇવસી અધિકારી ડેમિયન કરેને એક સોગંદનામું આપીને માફી માગી છે અને ભૂલને સુધારવા માટે 30 નવેમ્બર સુધીનો સમય માગ્યો હતો. આ પહેલાં લેહને લદ્દાખને બદલે જમ્મુ-કશ્મીરનો હિસ્સો બતાવ્યા પછી પણ ગૃહ મંત્રાલયે ટ્વિટરને નોટિસ જારી કરી હતી. એ સાથે સોશિયલ મિડિયા યુઝર્સે પણ ટ્વિટરની ખૂબ ટીકા કરી હતી.