નવી દિલ્હીઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના બાંધકામ માટે ફંડફાળો ઉઘરાવવાની દેશવ્યાપી ઝુંબેશની તૈયારીઓની સમીક્ષા બેઠકો વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાએ સમાપ્ત કરી લીધી છે. 108 એકર જમીન પર રામમંદિર બાંધવા તથા તેની આસપાસ અન્ય બાંધકામો માટે ફાળો ઉઘરાવવા પોતાની ઝુંબેશને વીએચપી સંસ્થાએ વિસ્તારી છે અને દેશભરમાં વધુ પ્રદેશો, નગરો અને ગામડાઓને આવરી લઈ 13 કરોડ જેટલા પરિવારો સુધી પહોંચવાની તે નેમ ધરાવે છે. રામમંદિર બાંધવા રૂ. 1,100 કરોડનો ખર્ચ થાય એમ છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને 100 કરોડથી વધુ દાન ઓનલાઈન પ્રાપ્ત થયું છે.
વીએચપીના કાર્યકારી ઈન્ટરનેશનલ પ્રમુખ આલોક કુમારે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે 65 કરોડ હિન્દુઓના દાનની રકમ સાથે રામમંદિર બાંધીશું. ફાળો ઉઘરાવવાની ઝુંબેશ 2021ની 15 જાન્યુઆરીથી (મકરસંક્રાંતિથી) આરંભ કરાશે અને તે 27 ફેબ્રુઆરી (મહા સુદ પૂનમ-માઘી પૂર્ણિમા) સુધી ચાલુ રહેશે. આ જનસંપર્ક ઝુંબેશમાં લોકોને 10 કે 100 કે 1000 રૂપિયાની રકમનો ફાળો આપવાની વિનંતી કરાશે. એ માટે એમને કૂપન આપવામાં આવશે. વધુ દાન આપનારને રસીદ આપવામાં આવશે. તમામ હિન્દુ પરિવારો સુધી પહોંચવાનું વીએચપીનું લક્ષ્ય છે. તમામ જિલ્લા સ્તર પર અમે ઈન્ચાર્જ નિયુક્ત કરીશું.