કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ તેજ થઈ ગયા છે. ગૃહપ્રધાન અમિત શાહ બંગાળની બે દિવસની મુલાકાતે છે. તેઓ પહેલા દિવસે મિદનાપોર પહોંચ્યા હતા. તેમણે પશ્ચિમી મિદનાપોરમાં કોલેજ ગ્રાઉન્ડમાં એક સભાને સંબોધિત કરતાં તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મા, માટી અને માનુષના સૂત્રવાળી મમતા સરકારનું કુશાસન, ભ્રષ્ટાચાર, તુષ્ટીકરણ અને ભત્રીજાવાદમાં પરિવર્તિત કરી દીધી છે. આ કાર્યક્રમમાં શુભેન્દુ અધિકારીએ તૃણમલ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ગૃહપ્રધાનની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા. અધિકારી સિવાય 11 વિધાનસભ્યો અને તૃણમૂલ સંસદસભ્ય અને એક ભૂતપૂર્વ પ્રધાન ભાજપમાં સામેલ થયા હતા.
ગૃહપ્રધાને પશ્ચિમ બંગાળની જનતાને સંબોધતાં કહ્યું હતું કે તમે ત્રણ દાયકા કોંગ્રેસને 27 વર્ષ કોમ્યુનિસ્ટોને અને 10 વર્ષ મમતા દીદીને આપ્યાં છે. ભાજપને પાંચ વર્ષનો સમય આપો. અમે બંગાળને ‘સોનાર બાંગ્લા’ બનાવીશું. અમે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં 200થી વધુ બેઠકો પ્રાપ્ત કરીશું. આ પહેલાં અમિત શાહે મહામાયા મંદિર અને સિદ્ધેશ્વરી કાલી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. એ પછી તેમણે બેલીજુરી ગામમાં એક ખેડૂતના ઘરે બપોરે ભોજન કર્યું હતું.
ભાજપમાં સામેલ થયેલા શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે ટીએમસીમાં લોકતંત્ર નથી બચ્યું. તેઓ આત્મસન્માન માટે ભાજપમાં આવ્યા છે. બંગાળની હાલત બહુ ખરાબ છે, જેથી અહીંનાં સત્તાનાં સૂત્રો વડા પ્રધાનના હાથોમાં આપવાં પડશે.