નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા શરૂ થઈ છે. રાજકીય પક્ષો ઉમેદવારોની અંતિમ ઘોષણા કરવાની પ્રક્રિયામાં છે, બીજી તરફ નેતાઓ પક્ષ બદલવાનો સિલસિલો જારી છે. હાલમાં તાજું ઉદાહરણ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી હેમંત સોરેનનાં ભાભી સીતા સોરેને JMMનો સાથ છોડીને ભાજપમાં સામેલ થયા છે. આ પહેલાં ઝારખંડના જ કોંગ્રેસના ગીતા કોડા ભાજપમાં આવ્યાં હતાં અને સીટ (સિંહભૂમ)થી ટિકિટ પણ મેળવી હતી.
નેતાઓનું પક્ષ બદલવું એ કોઈ નવી વાત નથી. નેતાઓ કેટલાંય કારણો –જેવાં કે ટિકિટ ના મળવી, અન્ય પાર્ટીમાં જીતની સંભાવના વગેરે કારણોથી પક્ષ બદલે છે, પણ હવે આવા નેતાઓ માટે ખરાબ સમાચાર છે, કેમ કે સમયની સાથે તેમના જીતવાની સંભાવના ઓછી થતી જાય છે.
અશોક યુનિવર્સિટીના ત્રિવેદી સેન્ટર ફોર પોલિટિકલ ડેટાએ લોકસભાના આંકડાનું વિશ્લેષણ કર્યું છે, જેમાં સામે આવ્યું છે કે 2019માં ચૂંટણીમાં દળબદલુઓ નેતાઓની સફળતાનો દર 15 ટકા ઓછો થયો છે. 1969ના દાયકામાં એ આશરે 30 ટકા હતો.
2019ની લોકસભાની ચૂંટણીણીમાં 8000થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા. એમાં 195 દળબદલુ નેતા ઉમેદવારો પણ સામેલ હતા. આ દળબદલુ નેતાઓમાંથી માત્ર 29 ઉમેદવારોને જ જીત મળી હતી. આ પ્રકારે ગઈ વખતે સફળતાનો દર માત્ર 14.9 ટકા હતો. જોકે 1977ની લોકસભાની ચૂંટણીમાં 2439 ઉમેદવારો ઊભા હતા, જેમાં કુલ 161 દળબદલુ ઉમેદવારો હતા, જેમનો સફળતાનો દર 68.9 ટકા હતો, જે સૌથી ઊંચો હતો.