દેહરાદૂનઃ આ વર્ષની ચાર-ધામ યાત્રા માટે નામ-નોંધણી પ્રક્રિયા દેશભરમાં શરૂ કરી દેવામાં આવી છે. હિન્દુ ધર્મીઓમાં આ યાત્રાનું ખૂબ મહત્ત્વ છે. એવી ધાર્મિક માન્યતા છે કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી – આ ચાર પવિત્ર સ્થળોની એક જ પ્રવાસમાં જાત્રા કરવાથી કોઈ વ્યક્તિનાં નિધન બાદ એનાં આત્માને મોક્ષ મળે છે.
હિન્દુ ભક્તોમાં ચાર ધામ યાત્રા ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ આ યાત્રા અત્યંત કઠિન પણ હોય છે. આખી યાત્રા પૂરી કરવી એ પડકારજનક હોય છે. પ્રવાસ દરમિયાન ઘણા લોકોને આરોગ્યને લગતી તકલીફ ઊભી થાય છે.
તેથી ઉત્તરાખંડ સરકારે આ વર્ષની ચાર ધામ યાત્રા માટે નામ નોંધાવવા ઈચ્છતા લોકો માટે એક મહત્ત્વની સૂચના બહાર પાડી છે. તેણે તમામ યાત્રાળુઓને વિનંતી કરી છે કે એમણે યાત્રા માટે અરજી નોંધાવતી વખતે એમનાં મેડિકલ ઈતિહાસની વિગતો ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ પર અપલોડ કરવી. એને કારણે યાત્રાળુઓ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવા અને યાત્રા દરમિયાન એમની યોગ્ય રીતે કાળજી લેવામાં મેડિકલ અધિકારીઓને મદદ મળશે, જેથી યાત્રાળુઓને આરોગ્યને લગતી કોઈ તકલીફ ન થાય. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષની ચાર ધામ યાત્રામાં મરણાંક 300 પર પહોંચ્યો હતો.