પુણેઃ કોરોના વાઇરસની બીજી લહેર દરમ્યાન કોરોના રસીની ભારે અછતે દેશની ચિંતા વધારી દીધી છે. હાલ 18 વર્ષથી ઉપરના બધા લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે, પરંતુ રસીની અછત થવાને કારણે સ્લોટ બુક નથી થઈ રહ્યો. વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપનીઓમાંની એક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવએ આ સ્થિતિ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે.
પુણેસ્થિત કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે શુક્રવારે કહ્યું હતું કે સરકારે WHOના દિશા-નિર્દેશો અને મોજૂદ રસીના સ્ટોકની સમસ્યા વિના વિવિધ આયુના વર્ગોના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય સંબંધિત એક ઈ-સમીટમાં સીરમના સુરેશ જાધવે આરોપ લગાવ્યો હતો. સરકારે વગર સમીક્ષાએ ભારતમાં રસીનો સ્ટોક કેટલો ઉપલબ્ધ છે અને એને માટેની WHO શી ગાઇડલાઇન્સ છે, વિવિધ વયજૂથના લોકોને રસીકરણ માટે મંજૂરી આપી દીધી હતી. દેશે WHOની ગાઇડલાઇન્સનું પાલન કરવું જોઈએ અને એને આધારે પ્રાથમિકતાને આધારે રસીકરણ કરવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે પ્રારંભમાં 30 કરોડ લોકોને રસી આપવાની હતી, જેના માટે 60 કરોડ ડોઝની જરૂર હતી, પણ લક્ષ્ય સુધી પહોંચતાં પહેલાં અને સ્ટોકની માહિતી લીધા વિના સરકારે પહેલાં 45 વર્ષથી ઉપરની વ્યક્તિઓને અને પછી 18 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણના દરવાજા ખોલી દીધા હતા.
તેમણે કહ્યું હતું કે આ મોટો પાઠ આપણે શીખ્યા છીએ. આપણે પ્રોડક્ટની ઉપલબ્ધાને ધ્યાનમાં રાખવી જોઈએ અને એનો વિવિકપૂર્વ ઉપયોગ કરવો જોઈએ. રસીકરણ જરૂરી છે, પણ રસી લગાવ્યા પછી પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. એટલે લોકોએ સાવધ રહ્યું જોઈએ અને કોરોનાથી બચાવના નિયમોનું પાલન કરવું જોઈએ. વળી ડબલ મ્યુટન્ટ રસીકરણમાં સમસ્યા ઊબી કરી શકે છે. હાલ દેશમાં 19.32 કરોડથી વધુ લોકોને રસીનો ડોઝ અપાઈ ચૂક્યો છે.