કાયદા-વાપસી નહીં કરો તો ગાદી-વાપસીની માગણી કરીશુંઃ ટિકૈત

જિંદઃ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે હરિયાણાના જિંદમાં આયોજિત મહાપંચાયતમાં કહ્યું હતું કે ત્રણે કૃષિ કાયદાઓને પરત ખેંચવા સિવાય ખેડૂતો માનવાના નથી. તેમણે સરકારને ચેતવણી આપતાં કહ્યું હતું કે હજી તો ખેડૂતો માત્ર કાયદા-વાપસી કરવાની વાત કરી રહ્યા છે. જો જનતા ગાદી-વાપસીની (સરકાર ઊથલાવવાની) જીદે ચઢશે તો શું થશે? આ વાત સરકાર વિચારી લે, એમ તેમણે કહ્યું હતું.

હરિયાણામાં જિંદના કંડેલામાં ગામમાં આયોજિત કિસાન મહાપંચાયતને સંબોધિત કરતાં ટિકૈતે દિલ્હીની સરહદ પર ખેડૂતોના પ્રદર્શનના સ્થળો પર પોલીસની ઘેરાવબંદીને લઈને કહ્યું હતું કે સરકારે ખીલા ઠોકી, તાર લગાવીને ખેડૂતોને અટકાવી નહીં શકે. રાજા જ્યારે ડરે છે, ત્યારે કિલ્લાબંધી કરે છે. મોદી સરકાર ખેડૂતોના ડરથી કિલ્લાબંધી કરવામાં લાગી છે. તેમણે કહ્યું હતું કે ખેડૂત એને ઉખાડીને પોતાનાં ઘરોમાં લઈ જશે અને પોતપોતાના ગામોમાં રાખશે. આવનારી પેઢી બતાવશે કે કયા પ્રકારની સરકારે તેમનો રસ્તો રોકવા માટે પ્રયોગો કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે આ કિલ્લાબંધી એક નમૂનો છે. આવનારા દિવસોમાં ગરીબની રોટી પર પણ કિલ્લાબંધી થશે. કોઈ પણ ગરીબની રોટી તિજોરીમાં બંધ ના થાય, એટલે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું હતું. તેમણે લાલ કિલ્લાની ઘટનાન  ખેડૂતોને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. લાલ કિલ્લા પર જે લોકો ગયા હતા, એ ખેડૂતો નહોતા.

ખેડૂત આંદોલનને લઈને 40 સભ્યોની કમિટી નિર્ણય કરશે. તેમણે કહ્યું હતું કે સરકાર પાસે ઓક્ટોબર સુધીનો સમય છે. આગળ જેવી પરિસ્થિતિ ઊભી થશે એ મુજબ નિર્ણય લેવામાં આવશે.