અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ રિલીઝ થશે 2 એપ્રિલે

મુંબઈઃ ગયા વર્ષના કોરોના વાઈરસના ચેપ, લોકડાઉન અને અનેક પ્રકારના નિયંત્રણોને કારણે ઠપ થઈ ગયેલો હિન્દી ફિલ્મ ઉદ્યોગ ફરી બેઠો થઈ રહ્યો છે. દર્શકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે તે અક્ષયકુમાર અભિનીત અને રોહિત શેટ્ટી દિગ્દર્શિત-નિર્મિત ‘સૂર્યવંશી’ ફિલ્મ આ વર્ષની બીજી એપ્રિલે થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. તે દિવસે ‘ગુડ ફ્રાઈડે’ તહેવાર છે. આ વિશેની સત્તાવાર જાહેરાત થવાની હજી બાકી છે. આ ફિલ્મ વાસ્તવમાં 2020ની 24 માર્ચે રિલીઝ થવાની હતી, પણ કોરોના મહાબીમારીને કારણે મુલતવી રાખવી પડી.

અહેવાલ મુજબ, રોહિત શેટ્ટી અને સહ-નિર્માતા રિલાયન્સ એન્ટરટેનમેન્ટ એમની આ ફિલ્મની રિલીઝ માટે થિયેટરમાલિકો સાથે હાલ ચર્ચાવિચારણા કરી રહ્યા છે. આ બેઠકમાં વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી પેમેન્ટ, આવકની વહેંચણી વગેરે જેવી બાબતો પર ચર્ચા થઈ છે. ફિલ્મમાં અક્ષયકુમાર ઉપરાંત કેટરીના કૈફ, અજય દેવગન અને રણવીરસિંહની પણ મહત્ત્વની ભૂમિકા છે.