ખેડૂત-આંદોલનઃ વિદેશીઓના પ્રચાર સામે ભારતીય-હસ્તીઓની તીખી પ્રતિક્રિયા

 નવી દિલ્હીઃ ખેડૂતોના વિરોધ-પ્રદર્શનને ટેકો કરનાર પોપસ્ટારે રિહાના, પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ જેવી સેલિબ્રિટીની ભારતે તીખી આલોચના કરી છે, પણ આ મુદ્દે આંતરરાષ્ટ્રીય હસ્તીઓ દ્વારા દખલ દેવા બદલ કેન્દ્ર સરકારના વલણને બોલીવૂડ હસ્તીઓ, ક્રિક્રેટરો અને કેટલાય મોટા નેતાઓએ પણ ટેકો કર્યો છે. વિદેશી હસ્તીઓના ટ્વીટ પર વિદેશ મંત્રાલયે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે પ્રદર્શન વિશે ઉતાવળે ટિપ્પણી કરતાં પહેલાં તથ્યોની તપાસ કરવી જોઈએ અને સોશિયલ મિડિયા પર હેશટેગ(#) તથા સનસનીખેજ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી અને ના જવાબદારીભર્યું છે.  

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કેટલાંક સ્વાર્થી જૂથ પ્રદર્શનો પર પોતાનો એજન્ડા થોપવાના પ્રયાસ કરી રહ્યાં છે અને સંસદમાં સંપૂર્ણ ચર્ચા પછી કૃષિ સુધારા વિશે દેશના કેટલાક હિસ્સામાં ખેડૂતોના નાના વર્ગને વાંધો છે. વિદેશ મંત્રાલયની આ સખત ટિપ્પણી  પછી બોલીવૂડ હસ્તીઓ અક્ષય કુમાર, કંગના રણોત, અજય દેવગન, લતા મંગેશકર, સચિન તેન્ડુલકર, કરણ જૌહરે લોકોના દુષ્પ્રચારથી બચવાનો આગ્રહ કર્યો છે.

મહાન કોકિલકંઠી અને ભારતરત્નથી સન્માનિત લતા મંગેશકરે સરકારના વલણનું સમર્થ કર્યું હતું. તેમણે ટ્વિટર પર કર્યું હતું કે કોઈ પણ મુદ્દો અથવા સમસ્યા- જેનો એક દેશ તરીકે અમે સામનો કરી રહ્યા છીએ, એને અમે ઉકેલવા માટે સક્ષમ છે. જય હિંદ.

આ જ રીતે અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી, સચિન તેન્ડુલકર, અનિલ કુંબલે અને વિરાટ કોહલીએ ટ્વિટર પર ટ્વીટ કરીને તીખી પ્રતિક્રિયા આપી હતી.