નારાજ ખેડૂત વિધવાઓએ કંગનાનું પૂતળું બાળ્યું

નાગપુરઃ કંગના રણોતે ખેડૂતો વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ ગુસ્સે ભરાયેલી અનેક ખેડૂત-વિધવા સ્ત્રીઓએ આજે મહારાષ્ટ્રના યવતમાળ શહેરમાં દેખાવો કર્યા હતા અને આ બોલીવૂડ અભિનેત્રીનું પૂતળું બાળ્યું હતું. તેમણે એવી માગણી પણ કરી છે કે કંગના બિનશરતી માફી માગે. ઉલ્લેખનીય છે કે, કંગનાએ તાજેતરમાં એક નિવેદન કર્યું હતું અને દિલ્હીના સીમાંત વિસ્તારોમાં આંદોલન કરી રહેલા ખેડૂતોની સરખામણી ત્રાસવાદીઓ સાથે કરીને એમનું અપમાન કર્યું હતું.

‘હા, અમે ખેડૂત છીએ, પણ ત્રાસવાદીઓ નથી’, આવા લખાણવાળા પ્લેકાર્ડ અને બેનર્સ સાથે ખેડૂત-વિધવાઓએ દેખાવો કર્યા હતા. સ્ત્રીઓએ કંગનાની તસવીરો અને પૂતળા પર જૂતાં માર્યા હતા અને પછી એમની હોળી કરી હતી. આ રીતે તેમણે એમનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે કંગના જ્યાં સુધી દેશનાં ખેડૂતોની માફી નહીં માગે ત્યાં સુધી એની ફિલ્મોનો તેઓ બહિષ્કાર કરશે.