‘હિજાબ પહેરવો છોકરીઓની અંગત-પસંદગી છે’: મિસ-યૂનિવર્સ હરનાઝકૌર

ચંડીગઢઃ મિસ યૂનિવર્સ-2021નો તાજ જીતનાર હરનાઝકૌર સંધુએ હાલ દેશમાં ચાલી રહેલા હિજાબ વિવાદ અંગે પોતાનાં મંતવ્ય રજૂ કર્યાં છે. એક કાર્યક્રમ દરમિયાન એને હિજાબ વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે 22 વર્ષીય હરનાઝકૌરે કહ્યું કે, એ તો દરેક છોકરીની પોતાની પસંદગી પર આધાર રાખે છે. એટલે ભારતની છોકરીઓએ કેવી રીતે રહેવું જોઈએ, શું પહેરવું જોઈએ એ વિશે કંઈ બોલવાનો કોઈને અધિકાર નથી. આ મુદ્દે લોકો રાજકારણ રમી રહ્યાં છે તે ખોટું છે.

હરનાઝકૌરે એમ પણ કહ્યું કે, ધારો કે કોઈ દમદાટી આપે તો છોકરીએ હિંમત કરીને આગળ આવવું જોઈએ અને બોલવું જોઈએ. છોકરીઓને તેઓ જે રીતે ઈચ્છે એ પ્રમાણે રહેવા દેવી જોઈએ. આપણે ત્યાં વિવિધ સંસ્કૃતિની મહિલાઓ વસે છે અને આપણે એકબીજાંનો આદર કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક સરકારી કન્યા કોલેજમાં હિજાબ પહેરીને આવેલી છોકરીઓને વર્ગોની અંદર પ્રવેશ નકારવામાં આવ્યા બાદ વિવાદ થયો હતો. બાદમાં કેટલીક વિદ્યાર્થિનીઓએ એવો દાવો કર્યો હતો કે એમણે હિજાબ પહેર્યો હતો એટલે એમને કોલેજની અંદર પણ પ્રવેશવા દેવામાં આવી નહોતી. મામલો બાદમાં હાઈકોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે શાળા-કોલેજોના કેમ્પસમાં હિજાબ પહેરી શકાશે, પરંતુ વર્ગોની અંદર પહેરી શકાશે નહીં. હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.