મ્યુકોરમાઇકોસિસ ફંગસની ઓળખ રંગથી નહીં, નામથીઃ AIIMS વડા

નવી દિલ્હીઃ કોરોનાના દર્દીઓમાં બ્લેક ફંગસ બાદ વ્હાઇટ વેરિયન્ટ અને હવે યલો ફંગસની ઓળખ એ મ્યુકોરમાઇકોસિસની ઓળખ એ નામથી થવી જોઈએ, નહીં કે રંગથી એમ સલાહ આપતાં AIIMSના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું. મ્યુકોરમાઇકોસિસની વાત કરતી વખતે બ્લેક ફંગસ શબ્દનો ઉપયોગ ના કરવો જોઈએ- એ વધુ સારું છે, કેમ કે એનાથી ઘણીબધી મૂંઝવણ ટાળી શકાય છે, એમ તેમણે કહ્યું હતું.

બ્લેક ફંગસ એ બ્લેક ડોટ્સની હાજરીને કારણે મ્યુકોરમાઇકોસિસ સાથે સંકળાયેલો છે. સામાન્ય રીતે વિવિધ પ્રકારની ફંગલ ઇન્ફેક્શન હોય છે, જેમ કે કેન્ડિડા, એસ્પરગિલોસિસ, ક્રિપ્ટોકોકસ હિસ્ટોપ્લાઝમોસિસ અને કોક્સિડિઓમાયસિસ. એમાં પણ મ્યુકોરમાઇકોસિસ, કેન્ડિડા અને એસ્પરગિલોસિસ ખાસ કરીને ઓછી ઇમ્યુનિટી ધરાવતા લોકોમાં વધુ જોવા મળે છે, એમ તેમણે મિડિયાને જણાવ્યું હતું. કોરોનાના દર્દીઓમાં ફંગલ ઇન્ફેક્શન મોટે ભાગે મ્યુકોરમાઇકોસિસ જોવા મળે છે. વળી જ્યાં કોરોનાના કેસો વધુ છે, ત્યાં એ કોરાના જેવો ચેપી નથી, એમ તેમણે કહ્યું હતું.

તેમણે વધુ સ્પષ્ટતા કરી હતી કે ઓક્સિજન થેરપી અને મ્યુકોરમાઇકોસિસના દર્દીના ચેપ વચ્ચે ચોક્કસ જોડાણ નથી, કેમ કે મ્યુકોરમાઇકોસિસના 90થી 95 ટકાના દર્દીઓ ડાયાબિટીસ અથવા સ્ટિરોઇડ લેતા હોય છે. આ ચેપ ડાયાબિટીસના દર્દી કે સ્ટિરોઇડ ન લેતા દર્દીઓમાં ભાગ્યે જ જોવા મળે છે.

મ્યુકોરમાઇકોસિસનાં કેટલાંક સામાન્ય લક્ષણો જેવાં કે એક બાજુ ચહેરાનો સોજો, માથાનો દુખાવો, નાક અને સાઇનસ, મોઢાની ઉપર કાળાશ અને તાવના લક્ષણો છે. એન્ટિ-ફંગલની સારવાર ઘણાં સપ્તાહથી સુધી ચાલુ રહે છે, જેથી એ હોસ્પિટલો માટે પડકારજનક સાબિત થઈ રહી છે, એમ તેમણે કહ્યું હતું.