ઉદ્ધવ ઠાકરે જૂથને સુપ્રીમ કોર્ટનો મોટો આંચકો

નવી દિલ્હી/મુંબઈઃ શિવસેના મામલે ચૂંટણી પંચે આપેલા આદેશ ઉપર મનાઈહૂકમ આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરતાં ઉદ્ધવ ઠાકરે માટે આ મોટા આંચકાસમાન છે. આનો અર્થ એ થાય કે પક્ષનું નામ અને ધનુષ્ય-બાણનું ચૂંટણી પ્રતિક એકનાથ શિંદેના જૂથ પાસે જ રહેશે.

દેશના વડા ન્યાયમૂર્તિ ડી.વાઈ. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિઓ પી.એસ. નરસિંહા અને જે.બી. પારડીવાલા – એમ ત્રણ જજની બનેલી બેન્ચે ઉદ્ધવ ઠાકરે જૂથે નોંધાવેલી પીટિશન પરની સુનાવણીમાં કહ્યું કે, અમે આ તબક્કે ચૂંટણી પંચના આદેશ સામે સ્ટે ઓર્ડર આપી ન શકીએ. તેઓ (શિંદે જૂથ) ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં સફળ થયા છે. તમારે હવે કાયદાના બીજા ઉપાયો અપનાવવા પડશે.