નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં પાછલાં બે સપ્તાહથી રાજકીય નાટક પર આજે પડદો પડી ગયો હતો. સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારનો ફ્લોર ટેસ્ટ આજે કરવાનો આદેશ કર્યો હતો, પણ વિધાનસભાના સ્પીકરે 16 બળવાખોર વિધાનસભ્યોનાં રાજીનામાંનો સ્વીકાર કરી લીધો હતો. જેથી નંબર ગેમમાં કમલનાથ સરકાર હારી જાય એવી સ્થિતિ હતી. ત્યાર બાદ મુખ્ય પ્રધાન કમલનાથે ફ્લોર ટેસ્ટ પહેલાં રાજીનામું ધરી દીધું હતું. રાજ્યમાં ફરી એક વાર હવે ભાજપની સરકાર બનવાની શક્યતા છે.
વિધાનસભામાં નંબર ગેમ
મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિધાનસભ્યોની કુલ સંખ્યા 230 છે, જેમાં હાલ વિધાનસભ્યોની સંખ્યા 206 છે. 24 બેઠકો ખાલી છે. આવામાં બહુમતીનો આંકડો 104 જોઈએ. કોંગ્રેસના 22 વિધાનસભ્યોના રાજીનામાનો સ્વીકાર બાદ કોંગ્રેસની કમલનાથ સરકાર પાસે બહુમતી નથી રહી. જેથી કોંગ્રેસની સંખ્યા કુલ 91 રહી ગઈ છે. બીજી બાજુ ભાજપ પાસે 107 વિધાનસભ્યો છે. જેથી ભાજપ સરળતાથી સરકાર બનાવી શકશે.