નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની LIC મૂડીબજારમાં પ્રવેશવા તૈયાર છે. કંપનીએ દેશના સૌથી મોટા IPO લાવવા માટે બજાર નિયામક સેબીની પાસે દસ્તાવેજ જમા કરી દીધા છે. આ ઇશ્યુનો 35 ટકા હિસ્સો રિટેલ ઇન્વેસ્ટર્સ માટે, 10 ટકા હિસ્સો પોલિસીહોલ્ડર્સ માટે અને પાંચ ટકા કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવશે. LICના IPOનો રિટેલ ઇન્વેસ્ટર્સની સાથે-સાથે પોલિસીહોલ્ડર્સ અને કર્મચારીઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
LICના 26 કરોડ પોલિસીહોલ્ડર્સ માટે 3.16 કરોડ શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે, પણ પોલિસીહોલ્ડર્સ એના માટે અરજી કરી શકે છે, જેનો પાન-કાર્ડ નંબર પોલિસીથી સંકળાયેલો હશે અને જેની પાસે ડીમેટ એકાઉન્ટ હશે. પોલિસી 13 ફેબ્રુઆરી, 2022એ અથવા એ પહેલાં જારી થવી જોઈએ. એ સાથે એને 28 ફેબ્રુઆરી સુધીમાં પોલિસી રેકોર્ડમાં પેન-કાર્ડ અપડેટ કરવો જરૂરી છે.
LICના ઇશ્યુમાં પોલિસીહોલ્ડર્સ મહત્તમ રૂ. ચાર લાખના શેરો માટે બોલી લગાવી શકશે. પોલિસીહોલ્ડર્સ કેટેગરીમાં રૂ. બે લાખ અને રિટેલ કેટેગરીમાં રૂ. બે લાખની બોલી લગાવી શકે છે. જો બંને અરજી એક જ ડીમેટ એકાઉન્ટથી કરી શકાશે. પોલિસીહોલ્ડર્સ માટે કોઈ લોક-ઇન પિરિયડ નહીં હોય અને એ લિસ્ટિંગના દિવસે જ શેર વેચી શકશે. આ પ્રકારે LICનો કર્મચારી મહત્તમ રૂ. છ લાખ સુધી બોલી લગાવી શકે છે. એ કર્મચારી કેટેગરી, પોલિસીહોલ્ડર કેટેગરી અને રિટેલ કેટેગરીમાં રૂ. બે-બે લાખનું મૂડીરોકાણ કરી શકે છે. જોઇન્ટ ડીમેટ એકાઉન્ટની સ્થિતિમાં LIC પોલિસીહોલ્ડર ત્યારે ક્વોટી બેનિફિટનો દાવો કરી શકે છે, જ્યારે તે પ્રાઇમરી ડીમેટ અકાઉન્ટહોલ્ડર હોય.