નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગો (OBC)ના આરક્ષણને લઈને મોટી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે OBC આરક્ષણ અંગે તેનાં સૂચનોને અધિકારીઓએ ખોટી રીતે વાંચ્યા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની પીઠે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય 31 જાન્યુઆરી, 2026ની ચૂંટણીઓ માટે કુલ આરક્ષણની 50 ટકા મર્યાદા પાર કરી શકશે નહીં.
કોર્ટે બંઠિયા કમિશનના નિષ્કર્ષોને આધારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટેની નવી OBC આરક્ષણ મેટ્રિક્સ લાગુ કરવાની મહારાષ્ટ્ર સરકારની પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ વિવાદ વિકાસ કિશોરરાવ ગવલી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કેસના બંધારણીય પીઠના ચુકાદાની પૃષ્ઠભૂમિમાં ઊભો થયો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે અગાઉના 27 ટકા OBC ક્વોટાને રદ કર્યો હતો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં આરક્ષણ માટે “ટ્રિપલ ટેસ્ટ”ની શરત નિર્ધારિત કરી હતી.
આ ટેસ્ટ મુજબ, રાજ્યએ દરેક સ્થાનિક સંસ્થાવાર OBCનો ડેટા એકત્ર કરવો, તેને આધારે ક્વોટા નક્કી કરવો અને એક સમર્પિત કમિશન રચવું ફરજિયાત છે.આ સુનિશ્ચિત કરવા માટે કે SC, ST અને OBC માટેનું કુલ આરક્ષણ 50 ટકા કરતાં વધી ન જાય. મહારાષ્ટ્રે આ પ્રક્રિયા માટે બંઠિયા કમિશન રચ્યું હતું. કમિશનનો રિપોર્ટ અને તેને આધારે નવી આરક્ષણ વ્યવસ્થા અમલમાં મૂકવાના રાજ્યના પ્રયત્નો હાલમાં સુપ્રીમ કોર્ટ સામે પ્રલંબિત છે.
જ્યારે મામલો સુનાવણીમાં આવ્યો ત્યારે પીઠે રાજ્યને સૌથી પહેલાં પૂછ્યું હતું કે નવા જાહેર કરાયેલા આંકડા બંધારણીય મર્યાદામાં કેવી રીતે રહી શકે? રાજ્ય તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાને પીઠે સીધો સવાલ કર્યો હતો કે આરક્ષણ 50 ટકા કરતાં વધુ કેવી રીતે હોઈ શકે?
મહેતાએ ચૂંટણી પ્રક્રિયાની તાત્કાલિકતા અને તારીખોને ધ્યાને લઈને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે નામાંકન કાલે દાખલ થવાના છે.જસ્ટિસ કાંતે કહ્યું કે અદાલત ચૂંટણી કાર્યક્રમ અંગે સંવેદનશીલ છે, પરંતુ તેના આધાર પર બંધારણીય માળખાને કમજોર કરી શકાતું નથી. તેમણે કહ્યું હતું કે કોર્ટ ચૂંટણી અટકાવવાની કોશિશ કરી રહી નથી, પરંતુ બંધારણીય પીઠ દ્વારા નક્કી કરેલી 50 ટકાની મર્યાદાને અવગણવામાં આવશે નહીં.


