UPના ઓરૈયામાં ભીષણ રોડ-અકસ્માતઃ 24 પ્રવાસી મજૂરોનાં મોત

ઓરૈયાઃ ઉત્તર પ્રદેશના ઓરૈયામાં પ્રવાસી મજૂરો એક દુર્ઘટનાનો શિકાર થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 24 મજૂરોનાં મોત થયાં છે અને 15થી 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક ટ્રકમાં સવાર થયેલા મજૂરો હરિયાણા અને રાજસ્થાનમાં પોતાના વતન જઈ રહ્યા હતા. મોટા ભાગના મજૂરો પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે બે ટ્રકોની ટક્કરને કારણે આ દુખદ બનાવ બન્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર લોટની ગૂણીથી ભરેલી આ ટ્રકમાં પ્રવાસી મજૂરો સવાર હતા. આ દુર્ઘટના સવારે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે આ ટ્રક એક ધાબાની બહાર બીજા ટ્રક સાથે જોરથી અથડાઈ હતી. આ દુર્ઘટનાની મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ નોંધ લીધી છે. તેમણે આ ઘટનાના મૃતકો પ્રતિ તેમની સંવેદનાઓ વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્તોને તરત સારવાર આપવાના નિર્દેશ આપ્યા હતા. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે IG કાનપુરથી આ દુર્ઘટનાનો એક રિપોર્ટ પણ માગ્યો છે.

કોરોના વાઇરસને કારણે થયેલા લોકડાઉનને પગલે મોટા પાયે દેશમાં મજૂરો પોતના ઘરે પરત ફરી રહ્યા છે. ટ્રેનો અને બસો બંધ હોવાને કારણે આ પ્રવાસી મજૂરો હાઇવે પર પગપાળા, સાઇકલ, રિક્ષા અથવા ટ્રોની મદદથી પોતાના ગામે પહોંચી રહ્યા છે, પણ આને લીધે દુર્ઘટનામાં વધારો થયો છે. પાછલા કેટલાક દિવસોમાં પ્રવાસી મજૂરો આવી દુર્ઘટનાનો શિકાર થયા છે.