નવા વરસમાં આ રીતે બનાવો રજાનો પ્લાન, જુઓ રજાઓનું લિસ્ટ

નવી દિલ્હી: થોડાક જ દિવસોમાં 2019નું વર્ષ આપણે બધાને અલવિદા કહી દેશે અને આવનારા 2020ના વર્ષનું આપણે સ્વાગત કરીશું. જો તમે વર્ષ 2020માં આવતી જાહેર રજાઓને લઈને ઉત્સુક હોવ તો એ જાણવું જરૂરી છે કે, કયો તહેવાર કઈ તારીખે આવી રહ્યો છે. 2020 રજાઓની દ્રષ્ટિએ સારું અને ખરાબ એમ બંન્ને રીતે પુરવાર થાય તેમ છે. અમે તમેન જણાવી રહ્યા છીએ રજાઓની માહિતી જેની મદદથી તમે રજાઓમાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

ખરાબ બાબતો ચકાસવામાં આવે તો પ્રજાસતાક પર્વ 26મી જાન્યુઆરીની રજા જ રવિવારે આવે છે. એટલે કે રજા કપાય તેમ છે. આ ઉપરાંત સ્વતંત્રતા દિવસ, ગણેસોત્સવ, દશેરા તથા દિવાળી પણ વિકેન્ડમાં આવે છે. સારા પાસા જોઈએ તો વર્ષ દરમ્યાન કુલ સાત લાંબા વિકએન્ડ આવે છે.  નવા વર્ષમાં મોટાભાગના તહેવારો શુક્રવારે અને સોમવારે આવી રહ્યા છે. એટલે કે કેટલાક તહેવારોમાં તમે સળંગ ત્રણ દિવસની રજા મળી શકશે. વર્ષના 366 દિવસમાંથી સરકારી કર્મચારી માત્ર 242 દિવસો કામ કરશે. આ કર્મચારીઓને કોઈ વધારાની રજા લીધા વગર 124 રજાઓ માણવાની તક મળશે.

જાન્યુઆરી– આ મહિનામાં મોટાભાગની રજાઓ બુધવારના દિવસે છે. આ વર્ષે નવા વર્ષનો પ્રથમ દિવસ પણ બુધવારે છે. ત્યારબાદ મકર સંક્રાંતિ અને પોંગલનો તહેવાર 15 જાન્યુઆરી બુધવારના દિવસે છે. 26મી જાન્યુઆરીની રજા કપાશે કારણ કે તે રવિવારે છે. વસંત પંચમી 29 જાન્યુઆરી એટલે એ પણ બુધવારે આવે છે.

ફેબ્રુઆરી– 9 ફેબ્રુઆરી રવિવારે ગુરુ રવિદાસ જયંતી છે. 18 ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદ સરસ્વતી જંયતી છે આ દિવસે મંગળવાર આવે છે. 19 ફેબ્રુઆરી બુધવારે શિવાજી જયંતી છે. જ્યારે 21 ફેબ્રુઆરી શુક્રવારે શિવભક્તો માટે ખાસ પર્વ મહાશિવરાત્રીની રજા આવશે.

માર્ચ– આ મહિના માત્ર બે જાહેર રજા આવે છે. હોળી ધુળેટી 10 માર્ચ મંગળવારે છે. સોમવારની રજા મુકીને સળંગ ચાર દિવસની રજાનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત ગુડી પડવાનો તહેવાર 25 માર્ચ બુધવારેના દિવસે છે.

એપ્રિલ– 2 એપ્રિલ ગુરુવારના રોજ રામ નવમીનો તહેવાર છે. 6 એપ્રિલને સોમવારે મહાવીર જયંતી છે. જો તમે ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો 10થી 13 એપ્રિલ અનુકુળ રહેશે. 10 એપ્રિલ શુક્રવારે  ગુડફ્રાઈડેની રજા આવશે તો 12 તારીખે રવિવારના દિવસે ઈસ્ટર છે અને 13 તારીખે સોમવારે વૈસાખીનો તહેવાર આવે છે.  એટલે કે તમે ચાર દિવસ રજાનો પ્લાન બનાવી શકો છો. 14મી એપ્રિલે આંબેડકર જયંતિ મંગળવારે છે એટલે તેનો વધારાનો મેળ પણ શકય છે.

મે– 1લી મે શુક્રવારે મજૂર દિવસ છે. 7મીએ બુદ્ધપૂર્ણિમાની રજા ગુરુવારે આવશે. 25 મે સોમવારે ઈદ ઉલ ફિતર અને મહારાણા પ્રતાપ જયંતી ઉજવવામાં આવશે. એટલે કે, તમે 24 અને 25 મે રજાનો પ્લાન કરી શકો છો.

જૂન– 23 જૂન મંગળવારે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે.

ઓગસ્ટ– ઓગસ્ટ મહિનો રજાની મજા માણવા માગતા લોકો માટે ખાસ છે કારણ કે આ મહિનામાં ઢગલાબંઘ રજાઓ આવી રહી છે. મહિનાની શરુઆત બકરી ઈદના તહેવારથી થશે જે શનિવારે છે. વચ્ચે રવિવારની રજા અને 3 ઓગસ્ટ સોમવારે રક્ષાબંધનનો તહેવાર છે. એટલે 1થી3 ઓગસ્ટ રજાનો પ્લાન બનાવી શકો છો. 12 ઓગસ્ટ બુધવારે જન્માષ્ટમીનો તહેવાર છે. સ્વતંત્રતા દિવસ શનિવારે હોવાથી તમે 15 16 વિકેન્ડ પ્લાન કરી શકો છો. એ જ રીતે 22 ઓગસ્ટ શનિવારે વિનાયક ચતુર્થી છે. 30 ઓગસ્ટ રવિવારે મોહરમની રજા કપાશે જોકે, સોમવારે 31મીએ ઓણમની રજા મળશે.

ઓક્ટોબર- આ મહિનામાં ગાંધી જયંતી શુક્રવારે આવશે એટલે ત્રણ દિવસના વીકએન્ડનો લાભ મળશે. જોકે, 25મી ઓકટોબરે દશેરા રવિવારે છે એટલે રજા કપાશે. 30 ઓક્ટોબર શુક્રવારે મિલાદ ઉન નબી છે.

નવેમ્બર– આ વર્ષમાં દિવળીનો તહેવાર 14 નવેમ્બર શનિવારે છે એટલે કે તમે 14 15 નવેમ્બરે રજાનો પ્લાન કરી શકો છો. 29 અને 30 નવેમ્બરે પણ રજાનો પ્લાન બનાવી શકો છો કારણ કે, 30 નવેમ્બરે ગુરુ નાનક જયંતીની રજા છે.

ડિસેમ્બર– આ મહિનામાં નાતાલની રજા 25મી ડિસેમ્બર શુક્રવારે છે એટલે લાંબા વિકએન્ડનો લાભ મળશે.