મલ્લિકાર્જુન ખડગે બન્યા છે કોંગ્રેસના નવા પ્રમુખ

નવી દિલ્હીઃ 137 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીમાં લોકશાહી ઢબે કરવામાં આવેલી પ્રમુખપદ માટેની આંતરિક ચૂંટણીમાં આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના 36મા પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. એમણે શશી થરૂરને પરાજય આપ્યો છે.

કુલ 9,385 મતોમાંથી ખડગેને 7,897 મત મળ્યા છે જ્યારે થરૂરને 1,072 મત મળ્યા છે. થરૂરે ટ્વિટરના માધ્યમથી ખડગેને આ જીત બદલ અભિનંદન આપ્યા છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આ ચૂંટણી જીતવા માટે પહેલેથી જ ફેવરિટ હતા. તેઓ ગાંધીપરિવારના વફાદાર નેતા તરીકે જાણીતા છે અને સાંસદ તરીકે અનુભવી છે.

80 વર્ષના ખડગે વ્યવસાયે લૉયર છે. તેઓ દલિત સમાજના છે. 22 વર્ષ બાદ ફરી કોંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણીમાં ગાંધી-પરિવારની બહારની વ્યક્તિએ ઝુકાવ્યું હતું. 22 વર્ષ પહેલાં થયેલી ચૂંટણીમાં જિતેન્દ્ર પ્રસાદે સોનિયા ગાંધી સામે ચૂંટણી લડી હતી, પણ હારી ગયાં હતાં. આ વખતે તો બંને ઉમેદવાર ગાંધી-પરિવારની બહારના હતા અને ગાંધી પરિવારની એકેય વ્યક્તિએ ચૂંટણી લડી નહોતી.

સોનિયા ગાંધી હાલ કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ છે. તેઓ સૌથી લાંબા સમય સુધી પક્ષપ્રમુખ પદે રહેનાર વ્યક્તિ છે. તેઓ 1998થી 2017 સુધી 20 વર્ષ માટે પ્રમુખપદે રહ્યાં હતાં. અને ત્યારબાદ 2019થી અત્યાર સુધી. 2017માં રાહુલ ગાંધી પક્ષના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. કોંગ્રેસના ઈતિહાસમાં આ માત્ર છઠ્ઠી જ વાર પ્રમુખપદ માટે ચૂંટણી યોજાઈ છે.