પરિણામ પહેલાં થરૂર જૂથનો મતદાનમાં ગરબડનો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસ પક્ષના અધ્યક્ષપદ માટેની ચૂંટણીનું પરિણામ આજે સાંજે આવવાનું છે. મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે મુકાબલો છે. એક બાજુ મત ગણતરી જારી છે. ચૂંટણી પરિણામ સાંજે ચાર કલાકે આવશે. ચૂંટણી પરિણામ પહેલાં થરૂરે ચૂંટણીમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. સલમાન સોઝે મધુસૂદન મિસ્ત્રીને ચિઠ્ઠી લખી છે.

કોંગ્રેસપ્રમુખની ચૂંટણીમાં મતગણતરી પહેલાં થરૂરની ટીમે મતદાન પ્રક્રિયા સંબંધે કેન્દ્રીય ચૂંટણી ઓથોરિટીને ચૂંટણીમાં ગરબડ સંબંધી ફરિયાદ કરી છે. થરૂર ટીમે મિસ્ત્રીને પત્ર લખીને યુપીમાં ચૂંટણીના સંચાલનમાં ગંભીર અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો અને માગ કરી હતી કે યુપીમાં બધા મતોને ગેરકાયદે માનવામાં આવે.

અધ્યક્ષપદના ઉમેદવારના ચૂંટણી એજન્ટ સલમાન સોઝે કહ્યું હતું કે અમે મિસ્ત્રીનીન ઓફિસના સતત સંપર્કમાં છીએ. તેમને વિવિધ મુદ્દાઓ વિશે જાણ કરી છે. હાલ અમારે એ નાની-નાની વાતોમાં નથી જવું.

થરૂર જૂથે આરોપ લગાવ્યો હતો કે સત્તાવાર લોકો બૂથની અંદર બેઠા છે. સૂત્રોના જણાવ્યાનુસાર ઉત્તર પ્રદેશની છ મતપેટીઓને અલગ રાખવામાં આવી છે. થરૂર ટીમે વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ મુખ્યાલયમાં મતદાન પ્રક્રિયામાં ઉલ્લંઘનના વિવિધ ઉદાહરણોનો હવાલો આપતાં બે-ત્રણ ફરિયાદ કરી છે. થરૂર ટીમે ફરિયાદ કરી હતી કે CEA પ્રમુખ મિસ્ત્રીના સ્પષ્ટ નિર્દેશ બાદ પણ રાજ્યના પ્રભારી મતદાન કેન્દ્રોમાં હાજર હતા, -જ્યારે તેમને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તેઓ આવું ના કરે અને પોતાના ગૃહ રાજ્યોમાં મતદાન કરે.