હિજાબ આવશ્યક ધાર્મિક પ્રથા નથીઃ કર્ણાટક સરકાર

બેંગલુરુઃ હિજાબ વિવાદ અંગે ચાલી રહેલા કોર્ટ કેસમાં, કર્ણાટક સરકારે આજે કર્ણાટક હાઈકોર્ટમાં એની દલીલનો પુનરોચ્ચાર કર્યો હતો કે હિજાબ કોઈ આવશ્યક ધાર્મિક પ્રથા નથી અને ધાર્મિક સૂચનાઓને શૈક્ષણિક સંસ્થાઓની બહાર જ રાખવી જોઈએ. કર્ણાટકના એડવોકેટ જનરલ પી. નવાદગીએ ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, ન્યાયમૂર્તિઓ જે.એમ. ખાઝી અને ક્રિષ્ના દિક્ષિતની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે ડો. બી.આર. આંબેડકરે બંધારણીય સભામાં નિવેદન કર્યું હતું કે ધાર્મિક સૂચનાઓને શૈક્ષણિક સંસ્થાઓની બહાર જ રાખવી જોઈએ.

એડવોકેટ જનરલે એમ પણ કહ્યું કે બંધારણની 25મી કલમ હેઠળ માત્ર આવશ્યક ધાર્મિક પ્રથાને જ રક્ષણ અપાયું છે. એમાં નાગરિકોને એમની પસંદગીના ધર્મનું પાલન કરવાની બાંહેધરી અપાઈ છે.