મુખ્તાર અન્સારીના મોત પછી UPમાં હાઇ એલર્ટ

લખનૌઃ માફિયાથી નેતા બનેલા ગેન્ગસ્ટર મુખ્યતાર અન્સારીનું કાર્ડિયક એરેસ્ટથી મોત થયું છે. તે આશરે 19 વર્ષથી જેલમાં બંધ હતો. મુખ્તારની સામે 65 કેસ નોંધાયેલા છે. એમાં હત્યાના પ્રયાસ, અપહરણ, છેતરપિંડી ગુંડા એક્ટ, આર્મ્સ એક્ટ, ગેન્ગસ્ટર એક્ટ, CLA એક્ટથી માંડીને NSA સુધી સામેલ છે. એમાં એને આઠ કેસમાં સજા થઈ ચૂકી હતી. 21 કેસ વિચારાધીન છે. માત્ર મુખ્તાર જ નહીં, તેના પરિવારના સભ્યો પર પણ કાનૂનનો ગાળિયો કસાયો છે. મુખ્તારની પત્ની અફશાં લાંબા સમયથી ફરાર છે. એના પર રૂ. 50,000નું ઇનામ છે. લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. મુખ્તાર અન્સારી સહિત તેના પરિવાર પર 101 કેસ નોંધાયેલા છે.

મુખ્તાર અન્સારીના મોત પછી ઉત્તર પ્રદેશ હાઇ એલર્ટ પર છે. પોસ્ટમોર્ટમ પછી પરિવાજનોને તેનો મૃતદેહ સોંપવામાં આવશે. આ પોસ્ટમોર્ટમની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે.

અન્સારીના પુત્ર ઉમરે બાંદામાં પત્રકારોને કહ્યું હતું કે અમે લોકો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગાઝીપુરલ લઈ જઈશું. ધીમા ઝેર અપાયાની વાત અમે પહેલાં પણ કરી હતી અને આજે પણ કહીશું. 19 માર્ચે ડિનરમાં તેને ઝેર આપવામાં આવ્યું હતું. અમે ન્યાયપાલિકાની શરણમાં જઈશું.

રાજ્યમાં 144 લાગુ કરવામાં આવી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળને પણ બોલાવવામાં આવ્યું છે. બાંદા, મઉ, ગાઝીપુર અને વારાણસીમાં CRPFની ટુકડીઓ પહેલેથી તહેનાત કરવામાં આવી છે. UP પોલીસ સોશિયલ મિડિયા સેલ પણ ગેરકાયદે તત્ત્વો પર નજર રાખવા માટે હાઇ અલર્ટ પર છે. BSP સુપ્રીમો માયાવતીએ અન્સારીના મોતના મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી હતી.