દક્ષિણ આફ્રિકામાં બસ અકસ્માતમાં 45 લોકોનાં મોત

કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકામાં ગુરુવારે ઇસ્ટરની ઉજવણી માટે લોકોને લઈને જઈ રહેલી બસ એક પહાડી પૂલથી નીચે ખાબકી હતી. આ પૂલથી પડ્યા પછી બસમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં 45 લોકોનાં મોત થયાં છે. આ બસ પડોશી દેશ બોત્સવાનાથી મોરિયા શહેર જઈ રહી હતી. લિમ્પોપો પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં માત્ર વર્ષની એક કિશોરી જીવિત બચી છે, જેની સારવાર કરવામાં આવી રહી છે. જોકે આ કિશોરીને ગંભીર ઇજા થઈ છે.

પરિવહન વિભાગે જણાવ્યું હતું કે બસ ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બસ એક બ્રિજ પર લગાવેલા બેરિયર્સ સાથે ધડાકાભેર ભટકાઈ અને પછી પલટી ગઈ હતી. જેના પછી તેમાં આગ લાગી ગઈ હતી.

લિમ્પોપો પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે બસ મમતકાલા બ્રિજની નીચે 164 ફૂટ ખાડીમાં પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી. પ્રાંતીય સરકારે કહ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે, પરંતુ ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે અને તેઓ હજુ પણ બસમાં ફસાયેલા છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે બસ પડોશી બોત્સ્વાનાથી મોરિયા શહેરમાં મુસાફરી કરી રહી હતી, જે એક લોકપ્રિય ઇસ્ટર તીર્થ સ્થળ છે. તેમના મતે એવું લાગે છે કે બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને તેનું પણ મૃત્યુ થયું હતું.