HCએ મુસ્લિમ પક્ષની અરજી ફગાવીઃ વ્યાસ ભોંયરામાં જારી રહેશે પૂજા

લખનૌઃ વારાણસીના જ્ઞાનવાપી સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજાની મંજૂરી પર પ્રતિબંધના મામલે અલાહાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી છે. જેથી વ્યાસજીના ભોંયરામાં પૂજા જારી રહેશે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે આ ચુકાદો આપ્યો હતો. આ મામલે વારાણસી જિલ્લા કોર્ટના આદેશને મુસ્લિમ પક્ષે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. વારાણસીની જિલ્લા કોર્ટે 31 જાન્યુઆરીએ હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજાની મંજૂરી આપી હતી.

આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ ભોંયરાના રિસીવર તરીકે બન્યા રહેશે. આ અમારી સનાતન ધર્મ માટે એક મોટી જીત છે, તેઓ (મુસ્લિમ પક્ષ) નિર્ણયની સમીક્ષા માટે જઈ શકે છે, પણ પૂજા જારી રહેશે, એમ વકીલ પ્રભાષ પાંડેએ જણાવ્યું હતું. બંને પક્ષો વચ્ચે લાંબી ચર્ચા બાદ કોર્ટે 15 ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પાંચ દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સીએસ વૈદ્યનાથન અને વિષ્ણુ શંકર જૈને હિન્દુ પક્ષ વતી દલીલો કરી હતી.

જ્યારે મુસ્લિમ પક્ષ વતી વરિષ્ઠ એડવોકેટ સૈયદ ફરમાન અહેમદ નકવી અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના એડવોકેટ પુનીત ગુપ્તાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ વતી એડવોકેટ વિનીત સંકલ્પે દલીલો રજૂ કરી હતી. મુસ્લિમ પક્ષની અંજુમન અંજામિયા મસ્જિદ સમિતિએ વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપવાના જિલ્લા ન્યાયાધીશ વારાણસીના નિર્ણયને પડકાર્યો હતો.

હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વકીલ વિષ્ણુ શંકર જૈન કહે છે, અલાહાબાદ હાઇકોર્ટે અંજુમન ઇંતેજામિયાના આદેશોની પહેલી અપીલ ફગાવી હતી, જે 17 અને 31 જાન્યુઆરીના આદેશની વિરુદ્ધ હતી અને આદેશની અસર એ થઈ કે જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં ચાલી રહેલી પૂજા જારી રહેશે.