મુંબઈ: મુંબઈ હાઈકોર્ટે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મંજૂરી આપીને તેના અમલીકરણનો માર્ગ મોકળો કરી દીધો છે. જમીન સંપાદન મુદ્દે ગોદરેજ એન્ડ બોઈસ કંપનીએ નોંધાવેલી અરજી ફગાવી દીધી છે.
જમીન પ્રાપ્તિ માટે મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારની NHSRCL સંસ્થાએ હાથ ધરેલી પ્રક્રિયાને પડકારતી અરજી ગોદરેજ એન્ડ બોઈસ કંપનીએ હાઈકોર્ટમાં નોંધાવી હતી. સરકારે આ યોજના માટે મુંબઈના વિક્રોલી ઉપનગરમાં જમીન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ગોદરેજ કંપનીની અરજીને ફગાવી દેતાં ન્યાયમૂર્તિઓ આર.ડી. ધાનુકા અને એમ.એમ. સાઠ્યેની વિભાગીય બેન્ચે કહ્યું કે આ યોજના અનોખા પ્રકારની છે અને તે માટે અંગત હિત સામે સામુહિક હિત પ્રબળ બને છે.
મુંબઈ અને અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ 508.17 કિ.મી.ની રેલવે લાઈન નાખવામાં આવશે જેમાં આશરે 21 કિ.મી.ની લાઈન ભૂગર્ભમાં હશે.