ચંડીગઢઃ હરિયાણા સરકારે બહેનોને રક્ષાબંધનની ભેટ આપી છે. રક્ષા બંધન પર મહિલાઓને અને બાળકોને રાજ્યની બસોમાં મફત પ્રવાસની સુવિધા મળશે. મહિલાઓ સાથે 15 વર્ષના બાળકોને પણ મફત પ્રવાસની સુવિધા મળશે. રક્ષા બંધનના તહેવારે બહેનો ભાઈઓને ઘરે જઈને રાખડી બાંધી શકે, એ માટે સરકારે આ નિર્ણય લીધો છે.
જોકે રક્ષાબંધનના દિવસે કોરોનાનો પ્રોટોકોલને ધ્યાનમાં રાખતાં બસો એની બેસવાની ક્ષમતાથી 50 ટકા પર ચાલશે. હરિયાણા સરકારના ટ્રાન્સપોર્ટપ્રધાન મૂળચંદ શર્માએ કહ્યું હતું કે સરકાર કેટલાંય વર્ષોથી રક્ષાબંધનના તહેવારે મહિલાઓ અને 15 વર્ષ સુધીનાં બાળકો માટે મફત પ્રવાસની સુવિધા આપી રહી છે.
જોકે આ સુવિધા કોરોના રોગચાળા દરમ્યાન સંભવ નહોતી થઈ શકી, પણ આ વર્ષે કોરોના કેસોમાં ઘટાડો થતાં આ સુવિધા ફરી જારી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે બસોમાં પ્રવાસ કરતી વખતે બધા પ્રવાસીઓએ માસ્ક પહેરવા સહિત કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.
