વેક્સિનેશન સર્ટિફિકેટ પર PM મોદીનો ફોટો જાગરુકતા માટે

નવી દિલ્હીઃ કોરોનાની રસી લીધા પછી જારી થતા વેક્સિનેશન સર્ટિફિકેટ પર વડા પ્રધાન મોદીનો ફોટો એટલા માટે લગાવવામાં આવ્યો છે, જેથી લોકોમાં જાગરુકતા ફેલાવી શકાય, એમ રાજ્યસભાને જણાવવામાં આવ્યું હતું.કોરોનાની રસી લીધા પછી વેક્સિનેશન સર્ટિફિકેટ કોરોના રોગચાળાના બચાવ માટે બધા નિયમોનું પાલન કરવા વિશે જાગરુકતા ફેલાવે છે, એમ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યપ્રધાન ભારતી પવારે જણાવ્યું હતું.

તેમને પૂછવામાં આવ્યું હતું કે શું કોવિડ રસીકરણનું સર્ટિફિકેટ પર વડા પ્રધાનનો ફોટો છાપવો જરૂરી છે? એ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે કોરોનાનું સર્ટિફિકેટ ધારાધોરણ મુજબનું છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના દિશાનિર્દેશો મુજબનું છે. તેમણે કહ્યું હતું કે વેક્સિનેશન સર્ટિફિકેટમાં વડા પ્રધાનના ફોટા સાથે તેમનો સંદેશ જાહેર જનતાને રસીકરણ પછી પણ કોરોના રોગચાળાના સમયમાં નિયમોના પાલન કરવા માટે, જરૂરી સાવધાની દાખવવા માટે જાગરુકતા પેદા કરવાનો છે. વળી, સરકારની નૈતિક જવાબદારી છે કે આ પ્રકારનો સંદેશ જાહેર જનતામાં સૌથી અસરકારક રીતે પ્રસારિત કરવામાં આવે. બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ કોરોના રસીકરણ માટે કોવિન એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે અને રસીકરણ સર્ટિફિકેટ કોવિનના માધ્યમથી એક નિશ્ચિત માળખામાં તૈયાર કરવામાં આવે છે.

કેન્દ્ર સરકાર દેશભરમાં કોરોના રસીકરણની ઝડપ તેજ કરવા માટે અને એનો વ્યાપ વધારવા માટે પ્રયત્નશીલ છે. સરકારે 21 જૂનથી રસીકરણનો બીજો તબક્કો શરૂ કર્યો છે, જેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને માટે રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.