ચંડીગઢઃ હરિયાણાના કરનાલ શહેરમાં વિરોધ-દેખાવો કરી રહેલા ખેડૂતો પર પોલીસો દ્વારા લાઠીમાર કરવાની ગઈ કાલની ઘટનાને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાએ આજે વખોડી કાઢી છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આયુષ સિન્હાના આદેશને પગલે કરાયેલા લાઠીમારમાં ઘાયલ થયેલા સુશીલ કાજલ નામના ખેડૂતનું આજે મૃત્યુ થયું છે. દુષ્યંત ચૌટાલાએ આઈએએસ અધિકારી આયુષ સિન્હા સામે પગલાં લેવાનું વચન આપ્યું છે. સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં ચૌટાલાએ કહ્યું કે ખેડૂતો માટે આઈએએસ અધિકારીએ આપેલો આદેશ વખોડવાને પાત્ર છે. એમની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે.
ઈન્ટરનેટ પર વાઈરલ થયેલા એક વિડિયોમાં આયુષ સિન્હા પોલીસોના એક ગ્રુપને એવું કહેતા સંભળાય છે કે, ખેડૂતોને ત્યાંથી આગળ વધવા દેવાના નથી. કોઈને પણ ત્યાં પહોંચવા દેવાના નથી. તમે લાઠી ઉઠાવો અને તાકાતથી એમને મારો… આ માટે કોઈ સૂચનાની જરૂર નથી… એમને બરાબરના મારો. જો એકાદો દેખાવકાર પણ અહીંયા આવે કે એનું માથું ભાંગી નાખજો. ઉલ્લેખનીય છે કે, કરનાલમાં શાસક ભાજપના નેતાઓની એક બેઠક ચાલુ હતી. ત્યાં હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ હાજર હતા. ખેડૂતો આગળ વધતાં પોલીસોએ એમની પર નિર્દયતાપૂર્વક લાઠીમાર કર્યો હતો. એને કારણે ઘણા ખેડૂતોને માથામાં ઈજા થઈ હતી. એમના કપડાં લોહીથી ખરડાયેલા જોવા મળ્યા હતા. ખેડૂતોએ કહ્યું કે એમણે કોઈ પ્રકારની ઉશ્કેરણી કરી નહોતી તે છતાં એમની પર લાઠીમાર કરાયો હતો. કરનાલના પોલીસ ઈન્સ્પેક્ટર જનરલ મમતા સિંહનું કહેવું છે કે અમે હળવા બળનો પ્રયોગ કર્યો હતો, કારણ કે તેઓ હાઈવેને અવરોધી રહ્યા હતા. પોલીસો પર પથ્થરમારો પણ કરાયો હતો. એમને વિખેરવા માટે હળવો લાઠીમાર કરાયો હતો.