નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળાને કારણે આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય હજ આયોજનને રદ કરવાનો સાઉદી અરેબિયા સરકારે નિર્ણય લીધા બાદ હજ કમિટી ઓફ ઈન્ડિયાએ હજ-2021 માટે મોકલવામાં આવેલી તમામ અરજીઓને રદ કરી દીધી છે.
સાઉદી અરેબિયાની સરકારે માત્ર પોતાના જ દેશના નાગરિકો અને રહેવાસીઓને હજમાં હાજર રહેવાની પરવાનગી આપી છે. ગયા વર્ષે પણ કોરોના બીમારીને જ કારણે સાઉદી સરકારે આંતરરાષ્ટ્રીય હજ યાત્રાને રદ કરી હતી. આ વર્ષે સાઉદી અરેબિયામાં મર્યાદિત સંખ્યામાં દેશના નાગરિકોને હજ યાત્રા કરવા દેવામાં આવશે. જુલાઈની મધ્યમાં હજ શરૂ થવાની ધારણા છે. 18-65 વર્ષની વયના લોકો જ હજ કરી શકશે. હજ યાત્રીઓએ કોરોના-પ્રતિરોધક રસી મૂકાવવાનું ફરજિયાત છે. મક્કામાં હજ યાત્રા માટે દર વર્ષે દુનિયાભરમાંથી 20 લાખથી વધારે મુસલમાન લોકો ઉમટતાં હોય છે. એમાં ભારતીય હાજીઓની સંખ્યા પણ મોટી રહેતી હોય છે. 2019માં લગભગ બે લાખ જેટલા ભારતીય મુસલમાનોએ હજ યાત્રા કરી હતી.
